ભાવનગર: શહેરમાં સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કામથી અળગા રહીને આંગણવાડીની કાર્યકર બહેનો રેલીમાં જોડાઈ હતી. અનેક યુનિયનો આ હડતાલમાં જોડાયા છે અને સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા જાહેર કરાયેલી હડતાલમાં સૌ કોઈ જોડાયા છે. આગામી 23 તારીખ સુધી વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમ આપવાના આવનાર છે.
શહેરમાં યોજાઈ સંયુક્ત ટ્રેડ યુનિયનની રેલી
ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલથી સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક યુનિયનો જોડાયા હતા. ત્યારે સીટુના રાજ્યના મહામંત્રી અરૂણભાઇ મહેતાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશના રાષ્ટ્રીય યુનિયન સીટુ દ્વારા રાષ્ટ્રીય હડતાલ જાહેર કરાઈ હતી. ગુજરાતમાં 70,000 થી વધુ આંગણવાડી બહેનો બંધ પાળીને જોડાઈ છે. આશા વર્કર બહેનો આંગણવાડી વર્કર અને મધ્યાન ભોજન કાર્યકરોને મિનિમમ વેતન મળી રહ્યું છે.
ભાવનગર શહેરના મોતીબાગથી રેલી નીકળીને હલુરીયા ચોક શહીદ સ્મારક સુધી પહોંચી હતી. જો કે વિરોધને પગલે સીટુના રાજ્યના મહામંત્રી અરુણ મહેતાએ જણાવ્યું હતું કે સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને વિશ્વ ગુરુ બનવાની વાતો કરી રહી છે. પરંતુ આ સરકાર ખુદ પોતે જ લાખો બહેનોનું આર્થિક રીતે શોષણ કરી રહી છે. બહેનો રેલી કાઢે, આંદોલન કરે અને વિરોધ દર્શાવે છતાં પણ આ સરકાર એક બેઠક યોજવા તૈયાર નથી.
સમગ્ર દેશમાં સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા કેન્દ્ર સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે ત્યારે ભાવનગરમાં યોજાયેલી રેલી સાથે આગામી 19 તારીખથી લઈને 23 તારીખ સુધી કાર્યક્રમ આપવામાં આવનાર છે. સીટુના રાજ્યના મહામંત્રી અરુણ મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં એક રૂપિયાનો વધારો નહીં મળતા હવે આંગણવાડી અને આશા વર્કર બહેનો સાંસદ અને ધારાસભ્ય પાસે જઈને તેમના ઘરેથી જવાબ માંગવા જશે. બહેનો આ લડાઈ સાથે આગળ વધશે.જ્યાં સુધી લોકસભાની ચૂંટણી જાહેર નહીં થાય ત્યાં સુધી બહેન લડી લેવાના મૂડમાં છે.