ગાંધીનગરઃ ભાજપના રાજ્યસભા માટે જાહેર કરેલા ચારેય ગુજરાતના ઉમેદવારોએ આજે નામાંકન ભર્યુ છે. વિજય મુહૂર્તમાં ભાજપના અગ્રણીઓ સાથે ચારેય ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિજય મુહૂર્તમાં નામાંકનઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ધારાસભ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્ત 12.39 કલાકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના આ ચારેય ઉમેદવારોની બિનહરિફ જીત નિશ્ચિત મનાય છે.
ચારેય ઉમેદવારોની જાહેરાતથી કુતૂહલ સર્જાયું હતુંઃ ભાજપે રાજ્યસભા માટે ગુજરાતના 4 ઉમેદવારોની જાહેરાત કરતા સમગ્ર ગુજરાતમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયુ હતું. આ ઉમેદવારોમાં જે. પી. નડ્ડા, ગોવિંદ ધોળકીયા, મયંક નાયક અને જશવંત પરમારનો સમાવેશ થાય છે. ભાજપે આ ઉમેદવારી નોંધાવવામાં શક્તિ પ્રદર્શન પણ કર્યુ હતું. ગોવિંદ ધોળકીયા સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને સેવાભાવી તરીકે નામના ધરાવે છે. જ્યારે મયંક નાયક ઉત્તર ગુજરાતમાં જાણીતું નામ છે. ડૉ. જશવંત સિંહ પરમાર શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડના નજીકના ગણાય છે. જ્યારે જે. પી. નડ્ડાને તો સમગ્ર દેશમાં ઓળખની કોઈ જરુરિયાત નથી.
સામાજિક સમીકરણઃ ભાજપે રાજ્યસભાના વર્તમાન સાંસદ પરસોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા માટે નો રીપીટ થિયરી અપનાવી છે. ભાજપે આ વખતે રાજ્યસભામાં જે ઉમેદવારો પર પસંદગી ઉતારી છે તેમાં 1 બ્રાહ્મણ, 1 પાટીદાર જ્યારે 2 ઉમેદાવરો ઓબીસી સમાજમાંથી આવે છે. આ વખતે ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં બ્રાહ્મણ, પાટીદાર અને ઓબીસી સમાજને સાચવી લીધાની ચર્ચાએ વેગ પકડ્યું છે.