રાજકોટ: હાલના સમયમાં પૈસા દેતા કરતા પણ શુદ્ધ ખાદ્ય પદાર્થ મળવો મુશ્કેલ છે. ઘણા લેભાગુ વેપારીઓ પોતાના આર્થીક ફાયદા માટે લોકોના જીવની પણ પરવા કરતા નથી અને તેમના આરોગ્ય સાથે ચેડા કરે છે. આવા ભેળસેળિયા વેપારીઓને સબક શીખવતા બે કિસ્સા હાલમાં પ્રકાશમાં આવ્યા છે.
પનીરના વેપારીનો 5 લાખનો દંડ: પ્રથમ કિસ્સાની વાત કરીએ તો, ભાવનગરના રામનાથ પરામાં રહેતા પનીરના વેપારી ઇમ્તિયાઝ જુમા કાણીયા નામના પનીરના વેપારીને પનીરમાં ભેળસેળ કરવી મોંઘી પડી ગઈ. આ વેપારી ભેળસેળિયા દૂધમાંથી ગુણવત્તાવગરનું પનીર બનાવીને રાજકોટની અલગ-અલગ હોટલોમાં સપ્લાઈ કરતો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા પનીરના આ વેપારીને 1600 કિલોના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો, અને ત્યાર બાદ તે પનીરના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે ભુજ મોકલવામાં આવ્યા હતા. જેમાં આ પનીરનો જથ્થો અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલો રાજકોટના અધિક કલેક્ટર ચેતન ગાંધી પાસે પહોંચ્યો હતો. જેમાં કોર્ટે પનીરના વેપારી ઇમ્તિયાઝ જુમા કાણીયાને ભેળસેળ કરવા બદલ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ 5 લાખનો દંડ ફટકાર્યો છે.
મિનરલ વોટરના વેપારીને 1 લાખનો દંડ: બીજા કિસ્સામાં રાજકોટના મેટોડામાં મિનરલ વોટરનો વ્યવસાય કરતા વેપારી ગિરીશ એલ. શિંગાળાને ત્યાંથી બિસ ડ્રિન્ક એડેડ મિનરલ વોટરની 200 અને 500 મિલીલિટરની બોટલનું પાણી પીવા લાયક ન હોવાનું પુરવાર થતાં આ વેપારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ભેળસેળિયા વેપારીઓ સામે રાજકોટના અધિક કલેક્ટર ચેતન ગાંધીએ કરેલી દંડાત્મક કાર્યવાહીથી અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.