રાજકોટ: ઉપલેટા શહેરમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામડાઓ બંધ અને શ્રમિક હડતાલ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉપલેટાના ખેડૂત આગેવાનો, ખેડૂતો તેમજ આંગણવાડી કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈને શહેરના મુખ્ય માર્ગો પર બેનરો અને સૂત્રોચાર સાથે વિશાળ રેલી કાઢી હતી. રેલી બાદ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ખેડૂત આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
રાષ્ટ્રવ્યાપી બંધનું એલાનઃ નવેમ્બર 2020થી દિલ્હીની બોર્ડર ઉપર સંયુક્ત કિશાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો, ખેત મજૂરો અને કામદાર સંગઠનોએ પોતાની માંગણીઓ અંગે 13 મહિના સુધી આંદોલન કર્યુ હતું. કેન્દ્ર સરકારે આ આંદોલનકારી ખેડૂત સંગઠનોના આગેવાન સાથે લેખિત સમજૂતિ કરી માંગણીઓ પૂરી કરવાનું વચન આપ્યું હતું. જો કે આ વચન આજ દિવસ સુધી પૂર્ણ કર્યુ નથી. તેથી ખેડૂત સંગઠનો અને કામદાર મજૂર સંગઠનોએ પોતાની માંગણીઓ માટે ચલો દિલ્હીનો નારો આપી આંદોલન શરૂ કરેલ છે. જે સંદર્ભે તા.16/02/2024ના રોજ રાષ્ટ્ર વ્યાપી ગામડા બંધ અને ચક્કાજામ કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું. તેના ભાગ રૂપે ઉપલેટામાં પણ રેલી કાઢી મામલતદારને આવેદન અપાયું હતું.
ખેડૂતોની સમસ્યાઓઃ ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને પાઠવવામા આવેલ આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત દેશના કરોડો ખેડૂતો પોતાના હકક અધિકાર માટે આંદોલનને માર્ગે જઈ રહ્યાં છે. ખેતીથી કરોડો ખેડૂતો અને ખેત મજૂરોને રોજગારી મળી રહી છે. આજના સમયમાં ખેતી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે. ખેતીને અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડા જેવી કુદરતી આફતોથી નુકશાન થઈ રહ્યું છે. તેને લઈ પાક નિષ્ફળ થાય છે. આ ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા બિયારણ, રાસાયણીક ખાતર, જંતુનાશક દવા, ડીઝલ અને ખેત ઓજારોમાં બેફામ ભાવ ધાવરા થયા છે. તેને લીધે ખેતી ખર્ચ ખૂબ જ વધી ગયો છે. ખેડૂત પરિવારોને જીવન જરૂરી વીજળી, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓ મોંથી હોવાથી પોષાતી નથી. આ મોંઘવારી મુજબ ખેત પેદાશોના ભાવમાં કોઈ વધારો થતો નથી. વર્ષોથી ખેતી પેદાશોના ચાલતા ભાવ કરતા આજે ભાવ નીચા થઈ ગયા છે. આથી ખેતી સંકટથી ઘેરાયેલ છે અને ખેડૂતોની રોજગારી તૂટી રહી છે. આ પરિસ્થિતિમાં ખેડૂત અને ખેત મજૂર દેવાદાર બની ગયા છે. આથી દેશમાં ખેડૂતો, ખેત મજૂરોના આપઘાતના બનાવો પણ વધી રહ્યાં છે.
ખેત પેદાશોના ટેકાના ભાવ, સ્વામિનાથન આયોગની ભલામણ C2 + 50% નફા મુજબ આપવા અને તમામ ખેત પેદાશોને ટેકાના ભાવે ખરીદવા ગેરેન્ટી કાયદો બનાવવાની માંગણી ખેડૂતો કરી રહ્યા છે. સરકાર ખેડૂતો માટે કોઈ જ કામ કરતી નથી, સરકાર મોટી કોર્પોરેટસ કંપનીઓ માટે કામ કરી રહી છે...ડાહ્યાભાઈ ગજેરા(પ્રમુખ, ગુજરાત કિસાન સભા)
અમારા આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નોનો સરકાર સમયસર ઉકેલ લાવતી નથી. અમારી માંગણી છે કે અમને કાયમી કરવામાં આવે. કર્મચારીનો પગાર 20,000 અને હેલ્પરનો પગાર 10,000 કરવામાં આવે. જો અમારી માંગણીઓ સમયસર નહિ સંતોષાય તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું...નિલોફર સમા(આંગણવાડી કર્મચારી, ઉપલેટા)