રાજકોટ: રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી છે. રાજકોટ સેશન્સ કોર્ટે આ જામીન અરજી રદ કરી હતી, કોર્ટે બનાવમાં ફાયર ઓફિસર તરીકેની તેમની ભૂમિકા ધ્યાને લીધી છે.
ઘટના અંગે જાણો: મળતી વિગતો મુજબ ગત તારીખ 25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમઝોનમાં આગની ઘટના બની હતી. જેમાં 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી.
જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખ ધનજી સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ TPO (10) મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને TPO (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃતભાઈ રાઠોડ સહિતના આ 16 સામે ગુનો નોંધાયો છે. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ હાલ જેલમાં છે.
ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી રદ: સસ્પેન્ડેડ ફાયર ઓફિસર ઠેબાએ અગ્નિકાંડ કેસમાં જેલમાંથી છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં વાંધા રજૂ કરી અને દલીલો કરાઈ હતી. ફાયર સેફટીના સાધનો ન હોય અને એનઓસી મેળવેલી ન હોય તેમ છતાં તે અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બનાવમાં 27 લોકોના સળગી જતા જીવ ગયા છે. જેથી જામીન ન આપવા દલીલો થતા કોર્ટે તે દલીલો ધ્યાને લઈ જામીન અરજી રદ કરી છે.
આ કેસમાં સરકાર પક્ષથી સ્પે. પીપી તુષાર ગોકાણી, ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ પરિવાર વતી રાજકોટ બાર એસો. વતી ઉપપ્રમુખ સુરેશ ફળદુ, તથા અન્ય એક વકીલ રોકાયેલો છે.આ અંગે રાજકોટ બાર એસોશિયેશન ઉપપ્રમુખ સુરેશ ફળદુએ ટેલીફોનીક વાતચીતમાં આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: