રાજકોટ: જિલ્લામાં ઇલેક્ટ્રોનિક સામાનની ચોરીનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, દુકાનના ગોડાઉનમાં રાખેલા 32 એ.સી. કે જેની કિમત રૂપિયા 10 લાખથી વધુની છે તેની ચોરી થોડા દિવસ પહેલા જ થઈ હતી. આ ગુના અંગે બી ડિવિઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે ચોરી કરનાર શખ્સ તેમજ તમામ મુદ્દામાલ પાછો મેળવી લીધો હતો.
32 જેટલાં એસીની ચોરી: સૂત્રો તરફથી મળતી વિગત મુજબ જાણવા મળ્યું છે કે, રાજકોટમાં એ.સી.નો શોરૂમ ધરાવતા દીપ હિતેશભાઈ સવજીયાણી જેમને નવાગામ ખાતે આવેલ ન્યારા પેટ્રોલપંપ પાસે મિત્રના ગોડાઉનમાં એસીનો માલ રાખ્યો હતો. આ ગોડાઉનમાં તેમણે 2જી મેના રોજ અંદાજે 200 જેટલા એ.સી. રાખ્યા હતા. જેમાં ગત તારીખ 16ના રોજ સવારે ગોડાઉન જોતા 32 જેટલાં એ.સી. ઓછા હતા. જેની કિંમત રૂપિયા 10.32 લાખ હતી. ઘટના અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, ગોડાઉનના માલની ચોરી ડ્રાઇવર પારસ ઠાકરે જ કરી હતી.
વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે: આ ગુનાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ હતી. અને પોલીસે ગોડાઉનના ડ્રાઇવરને પકડવાની માટેની કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આરોપી પારસ ઠાકોર રાજકોટમાં હોવાની પોલીસે તેને ઝડપી પડ્યો અને તેણે ચોરી કરેલા 32 એ.સી. જેની કિંમત રૂપિયા 10.32 લાખની હતી તેને કબજે કર્યા હતા. આ સાથે બીજા કોઈની સંડોવણી છે કે નહીં, ઉપરાંત આ શખ્સ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે નહીં, તેની વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે. જે અંગે માહિતી ડીસીબીના પીઆઈ એમ આર ગોડલીયાએ આપી હતી.