રાજકોટ: રૂરલ SOG દ્વારા ગરીબોનું અનાજ ચાઉં કરી જનારા સામે વધુ એક સફળ કામગીરી કરવામાં આવી છે. જેમાં SOG પોલીસે વિંછીયામાંથી ચોખાની 231 બોરી અને ઘઉંની 40 બોરી મળી કુલ 4.36 લાખની કિંમતનો 14.565 ટન અનાજનો જથ્થો ઝડપી લીધો છે. ઝડપાયેલ આ ઘઉં-ચોખાનો જથ્થો રેશનિંગનો હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આ તપાસ દરમિયાન અગાઉ પણ બે ટ્રક ભરી અનાજ સગેવગે થયું હતું તેવો ઘટસ્ફોટ થયો છે.
અનાજની ગેરકાયદેસર ચોરી પર વોચ: નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાભરમાં અનાજની ગેરકાયદેસર ચોરી કે ગેરરીતી અટકાવવા માટે ગેરકાયદે અનાજનું વેચાણ કે, હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ગેરકાયદે અનાજનાં મોટા જથ્થાની હેરાફેરી થવાની ચોક્કસ માહિતી મળી હતી. જેને લઈને વિંછીયા-પાળીયાદ રોડ, માંડવરાય હોટેલ ખાતે વોચ ગોઠવી હતી ત્યારે માલવાહક આઇસરનો ચાલક મેલાભાઇ ભીખાભાઇ આલગોતર પોતાના આઇસર ટ્રકમાં શંકાસ્પદ ચોખા-ઘઉંની બોરીઓ ભરી નીકળતા જ તેને અટકાવી અનાજનાં જથ્થા અંગે પુરાવા અને કાગળો રજૂ કરવા જણાવાયું હતું. જો કે, તેની પાસે કોઈ પુરાવા ન મળતા SOG ટીમે અનાજનો જથ્થો કબ્જે કરી પુરવઠા વિભાગને સોંપી દીધો છે.
અનાજનો જથ્થો રેશનિંગનો હોવાની આશંકા: આ બાબતમાં હવે આગળની તપાસ પુરવઠા વિભાગ કરશે જેમાં માલવાહક આઇસરની કિંમત 8 લાખ અને અનાજનો જથ્થો મળી મુદ્દામાલની કુલ કિંમત 12,36,950 આંકવામાં આવી છે. મનસુખે અગાઉ પણ બે વખત અનાજના જથ્થાથી ટ્રક ભરી દીધી હતી જેની સપ્લાય મેલા આલગોતરે જ કરી હોવાનું સામે આવતા અનાજનો જથ્થો રેશનિંગનો જ હોવાની આશંકા છે જેથી હાલ પુરવઠા વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.