રાજકોટ: રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં અફડાતફડી સર્જાઇ હતી.
ખેડૂતો ચિંતિત : અચાનક વરસાદ આવવાથી શહેરમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ભારે પવન સાથે આજે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ખેડૂતોની ચિંતા પણ વધી છે. જ્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે એલર્ટ તંત્ર બન્યું છે.
લગ્નમંડપો અસ્તવ્યસ્ત થયાં : અચાનક કમોસમી વરસાદ આવવાના કારણે લોકો શિયાળો ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુનો અનુભવ એક સાથે કરી રહ્યા છે. જ્યારે હાલ લગ્નગાળો હોય ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં પણ કમોસમી વરસાદ ખાબકતા લગ્નમાં આવેલ લોકોની ચિંતા વધી હતી.
માર્કેટીંગ યાર્ડ દ્વારા અપાઈ હતી ખેડૂતોને સૂચના : હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા ગઈકાલે જ ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી. જેમાં યાર્ડ ખાતે આવતા ખેડૂતો માલને ખુલ્લામાં પ્લેટફોર્મ ઉપર રાખે નહીં. આ સાથે જ અગાઉ જે પણ ખેતપેદાશો યાર્ડમાં ઉતારવામાં આવી છે તેને પણ વરસાદમાં પડળે નહીં તે પ્રમાણે ઢાંકીને રાખવામાં આવે.
યાર્ડમાં કોઈ પણ નુકશાની નહીં : ઈટીવી ભારત સાથેની વાતચીતમાં રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીને પગલે અમે બે દિવસ પહેલા જ ખેડૂતોને સૂચના આપી હતી. જેના કારણે યાર્ડમાં કોઈ પણ ખેડૂતોનો માલ પડ્યો નહોતો માટે નુકશાની સર્જાઈ નથી. તેમજ યાર્ડમાં હાલ વેપારીઓનો જે માલ પડ્યો છે તેને પણ ઢાંકીને રાખવામાં આવ્યો છે.
અગમચેતીના પગલાં લેવાયાં : જોકે હવામાન વિભાગની આગાહીને પગલે યાર્ડ દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. જેને કારણે યાર્ડમાં કોઈ મોટું નુકસાન થયું નથી પરંતુ હજુ પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઇને યાર્ડમાં પણ ખેડૂતોને હાલ ખુલ્લામાં જણસી ઉતારવા દેવામાં આવતી નથી. તેમજ જે પણ માલ યાર્ડમાં ખુલ્લો પડ્યો છે તેને ઢાંકીને રખાયો છે.
શહેરમાં ત્રણેય ઋતુનો થયો અનુભવ : રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં શહેરના ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, પડધરી સહિતના રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે હાલમાં શિયાળો પૂર્ણતાના આરે છે અને ઉનાળો શરૂ થવાનો છે.