રાજકોટ: રાજકોટનાં વિવિધ મંદિરોમાં છેલ્લાં કેટલાક સમયથી ચોરી થતી હોવાના બનાવો વધ્યા હતા. મોટાભાગના બનાવો કુવાડવા નજીક બન્યા હતા અને મંદિરમાં ચોરીની કેટલીક ઘટનાઓના CCTVમાં ફુટેજ પણ સામે આવ્યા હતા. આવા પુરાવાના આધારે કુવાડવા રોડ પોલીસે તપાસ શરુ કરી હતી અને પોલીસે માત્ર મંદિરોમાં ચોરી કરતા ચોરને ઝડપી પાડ્યો હતો.
રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મંદિરમા થયેલી ચોરીઓ બાબતે ગુનાઓ નોધવામાં આવ્યા હતા, જેમાં જુદા-જુદા ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ અંગે અલગ-અલગ ટીમો બનાવી ચોરને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં CCTV કેમેરા, ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે જામનગર બાયપાસ રોડ માલીયાસણ ચોકડી ખાતેથી મયુર શાંતિલાલ ગોંઢા નામના શખ્સને નાના-મોટા ચાંદીના છતરો સાથે ઝડપી પાડ્યો આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં 4 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. તેમજ આરોપીએ અન્ય ચોરીઓની પણ કબૂલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી મંદિરોમાં દિવસના એવા સમયગાળા દરમિયાન ચોરી કરતો હતો કે જ્યારે મંદિરમાં લોકો દર્શન કરવા આવતા ન હોય, ત્યારે એકાંતનો લાભ ઉઠાવી મંદિરમાં ભગવાન કે માતાજીની મુર્તિઓ ઉપર ચડાવેલા ચાંદીના નાના મોટા છતરોની ચોરી કરીને જતો રહેતો હતો. આરોપીએ કરેલી ચોરીના CCTV પણ સામે આવ્યા છે. આરોપી દિવસ દરમિયાન જ મંદિરમાં ઘુસીને ચોરીઓને અંજામ આપતો હતો. આરોપી મયુર શાંતિલાલ ગોંઢા પાસેથી પોલીસે કુલ 43,880નો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીએ બેડી ગામના બે મુખવાળા મેલડી માતાજીના મંદિરમાં ચોરી ઉપરાંત બેડી ગામના મોમાઈ માતાજીના મંદિરમાં ચોરી કરી હતી, જ્યારે નવાગામ સ્મશાન નજીક આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં પણ હાથફેરો કર્યો હતો. હાલતો કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના મામલે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.