રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના 50 વર્ષ પૂર્ણ થયા છે.અને હાલમાં 51મુ વર્ષ શરૂ છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આજે યોજાયેલી જનરલ બોર્ડમાં આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટના રામવન ખાતે યોજાશે. જ્યારે લોકો પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જોઈ શકે તે માટે શહેરીજનોને પણ બેઠક અગાઉ મીડિયા મારફતે આમંત્રણ આપવામાં આવશે.
રાજકોટ મનપાનો મહત્વનો નિર્ણય : સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે. એવામાં 50 વર્ષમાં પાંચ વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું હતું અને 45 વર્ષોથી ભાજપનું શાસન છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખર્ચને બહાલી આપવામાં આવતી હોય છે. તેમજ ખર્ચના આવક અને જાવકની ચર્ચા પણ થતી હોય છે. એવામાં પ્રજાના પૈસાનો મનપા ક્યાં ઉપયોગ કરે છે તેના માટે ઓપન ફોર ઓલ એટલે કે મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જાહેરમાં યોજવામાં આવશે. જેના ભાગરૂપે આગામી 21 તારીખના રોજ રામવન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે.
કોર્પોરેટરો અને અધિકારીઓ બસમાં રામવન જશે : આગામી 21 તારીખના રોજ રાજકોટના ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાનાર છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ ઇન્ડિયાના માધ્યમથી લોકોને આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. તેમજ પ્રજાના સૂચનો પણ ધ્યાને લેવામાં આવશે તે પણ જણાવ્યું હતું. જાહેરમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવા મામલે કેટલો ખર્ચ થશે ત્યારે આ અંગે જમીન ઠાકરે જણાવ્યું હતું કે જાહેરમાં બેઠક યોજવા મામલે કોઈપણ પ્રકારનો ખર્ચ થશે નથી. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ચાર ઇલેક્ટ્રિક બસમાં ચૂંટાયેલા સભ્યો મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ જશે અને ત્યાં બેઠક યોજશે. જ્યારે જાહેરમાં બેઠક યોજવાથી મનપાને કોઈ વધારાનો ખર્ચ થશે નહીં.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવન ખાતે : આ મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય અને જાગૃત નાગરિક એવા રાજુ જૂંજાએ જણાવ્યું હતું રાજકોટ કોર્પોરેશનનો આ નિર્ણય આવકારદાયક છે. આ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં બેઠક યોજતી હતી, પરંતુ તેમાં કોઈપણ લોકોને જવાનું છૂટ આપવામાં આવતી નહોતી. જેના કારણે ત્યાં ક્યાં નિર્ણય લેવાય છે શું થાય છે તેનો ખ્યાલ આવી શકતો નહોતો. પરંતુ પ્રથમ વખત આવું થઈ રહ્યું છે કે જાહેરમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના આ નિર્ણયને રાજુ જુંજાએ આવકાર્યો હતો.