રાજકોટ : થોડા દિવસો અગાઉ તળાજા તાલુકામાં આહીર સમાજ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન દરમિયાન આહીર સમાજના અગ્રણી મનાતા ગીગાભાઈ ભમ્મર દ્વારા ગઢવી સમાજની માતાઓ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને ગઢવી અને ચારણ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે આ મામલે ચાર દિવસ અગાઉ બેઠક યોજાઇ હતી અને આહીર તેમજ ગઢવી સમાજ વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ હવે આ પ્રકારની ઘટના બીજીવાર સમાજમાં ન બને તે માટે રાજકોટ આહીર સમાજ આજે એકઠો થયો હતો અને જિલ્લા કલેકટરને આ મામલે આવેદનપત્ર આપીને ગીગાભાઈ વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
ગીગાભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની આહીર સમાજની માંગ : સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને હાલના ભાજપના અગ્રણી એવા અર્જુન ખાટરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા આહીર સમાજના ગીગાભાઈ ભમ્મર દ્વારા ગઢવી અને ચારણ સમાજ વિશે અશોભનીય શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા.
જેને લઈને આજે સમગ્ર આહીર સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. જ્યારે આ મામલે ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જ્યારે આહિર અને ગઢવી સમાજ વચ્ચે વર્ષો જૂનો મામા ભાણેજનો સંબંધ છે. એવામાં ગીગાભાઈ દ્વારા જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે તે તેમનું પોતાનું નિવેદન છે. ત્યારે આ મામલે અમે જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તેમજ અમે જાહેર કરીએ છીએ કે અમે ગઢવી સમાજની સાથે છીએ...અર્જુન ખાટરીયા (આહીર સમાજ અગ્રણી)
આહીર અને ગઢવી સમાજ વચ્ચે મામા ભાણેજના સંબંધ : ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ચારણ અને ગઢવી સમાજના માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી આહીર સમાજના ગીગા ભમ્મર દ્વારા કરવામાં આવી હતી.. જેને લઇને ગઢવી અને ચારણ સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે રાજ્યના નામાંકિત સાહિત્યકારો અને કલાકારોએ પણ આ ઘટનાને વખોડી હતી. એવામાં ચાર દિવસ પહેલા ચારણ અને ગઢવી સમાજની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બંને સમાજ વચ્ચે સમાધાન પણ થયું હતું. ત્યારે આહીર સમાજમાં કોઈ પણ વ્યક્તિ હવે ફરી આ પ્રકારના નિવેદન ન કરે તેને ધ્યાનમાં રાખીને આજે રાજકોટ આહીર સમાજ એકઠો થયો હતો તેમજ સમગ્ર મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.