રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ પ્રધાનમંત્રી આવાસ યોજના ” અંતર્ગત નિર્માણ પામેલ EWS-1 કેટેગરીના 1248, EWS-2 કેટેગરીના 1056 આવાસ મળી કુલ 2304 આવાસોનું તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા “મુખ્યમંત્રી આવાસ યોજના” અંતર્ગત નિર્માણ પામેલ 49 આવાસો, મળી કુલ 2353 આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતાં.
પીએમ મોદીનો વર્ચ્યુઅલ સંવાદ : આ પ્રસંગે પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન રાજકોટના વાવડી વિસ્તારના આવાસ યોજનાના લાભાર્થી સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. જેમાં રાજકોટના લાભાર્થીએ પીએમ મોદીને રાજકોટ ખાતે આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના વાવડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ કર્યો હતો. આ સાથો સાથ તેમના પરિવારના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતાં. જેમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાની સુવિધાઓ અંગે તેઓની સાથે વાત કરી હતી.
પીએમ મોદી સાથે વાત કરનારાં લાભાર્થી: ત્યારે આ અંગે રેખાબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીએમ મોદી સાથે મારે સારી રીતે વાતચીત થઈ હતી. જ્યારે મે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે હું પીએમ મોદી સાથે વાતચીત કરીશ. અમને રાજકોટના વાવડી વિસ્તારમાં રુપિયા 3 લાખમાં આવાસ મળ્યું છે. જેના માટે અમે ફોર્મ ભર્યું હતું અને ત્યાર બાદ આવાસ યોજનાનો લાભ મળ્યો છે.
માત્ર 3 લાખમાં આવાસ: રાજકોટના લાભાર્થી રેખાબેન દ્વારા પીએમ મોદીને રાજકોટમાં જલેબી ગાંઠિયા ખાવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પીએમ મોદીએ પણ તે આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રેખાબેનને અહીંયા આવાસ મળ્યા અગાઉ તેમનો પરિવાર ભાડાના મકાનમાં પરિવાર સાથે વસતા હતાં. જ્યારે આવાસ યોજનામાં ફોર્મ ભર્યા બાદ અમને માત્ર 3 લાખમાં આવાસ મળ્યું છે.
કાર્યક્રમનું આયોજન મનપા દ્વારા: ઉલ્લેખનીય છે કે આવાસ યોજના લાભાર્થીઓ માટે રાજકોટની અલગ અલગ ચારેય વિધાનસભા વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના લાભાર્થી સાથે પીએમ મોદીએ વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મનપા દ્વારા યોજવામાં આવ્યું હતું.