રાજકોટઃ જિલ્લાના કુવાડવા નજીક આવેલ જીયાણા ગામે લોકો સવારે મંદિરે પહોંચ્યા તો તેમના અચરજનો પાર ન રહ્યો. કોઈએ મંદિરની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામની ભાગોળે આવેલા ત્રણેક મંદિરોની મૂર્તિઓ તેમજ મંદિર પરિસરમાં આગ ચાંપીને પારાવાર નુકસાની કરી હતી. ગામલોકો એ તરતજ મંદિરમાં થયેલા નુકસાનને પહોંચી વળવા સાફ-સફાઈની કામગીરી હાથ ધરી અને પોલીસને જાણ કરી હતી.
પોલીસ કાર્યવાહીઃ પોલીસે આ કિસ્સામાં તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે, ગામ નજીક ત્રણેક મંદિરોમાં માજી સરપંચ અરવિંદ સરવૈયા દ્વારા આગ લગાડાઈ હતી. રાજકોટ સિટી પોલીસના મદદનીશ પોલીસ અધિક્ષક આર. એસ. બારિયાએ જણાવ્યું હતું કે, આરોપી માજી સરપંચ અરવિંદ સરવૈયાએ પોલીસને નિવેદન આપ્યું છે કે, ભગવાનની ઘણી સેવા પૂજા કરવા છતાં પરિસ્થિતિ નહીં સુધરતા રામાપીરનું મંદિર, બંગલા વાળા મેલડી માતાજીનું મંદિર તેમજ વાસંગી મંદિરોમાં આગ લગાડી દીધી હતી.
સંભવતઃ પ્રથમ કિસ્સોઃ જ્યાં કુદરત માણસથી રૂઠે તેવા ત્યારે કેવી ભયાનક ઘટનાઓ થાય છે તેવા અનેકો અનેક દૃષ્ટાન્તો આપણે કદાચે અનુભવ્યા અને જોયા છે પણ આ કિસ્સામાં માણસ કુદરતથી રૂઠે તો તે જેની પૂજા અર્ચના કરતો હોય તે દેવી-દેવતાઓના આસ્થાના સ્થાનને જ સળગાવી દે, તેવો આ કદાચે પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સમાજમાં આકાર લઈ રહેલી પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે. અત્યારે એક તરફ વ્યક્તિપૂજાનાં ભાગ રૂપે નેતા અને અભિનેતાઓના મંદિરો બંધાય છે જ્યારે બીજી તરફ આસ્થાના કેન્દ્ર સમાન મંદિરોને આગ લગાડાય છે. કદાચ આ જ ઘોર કળિયુગની નિશાનીઓ છે.