રાજકોટ: ધોરાજી શહેરમાં ધોરાજી-ઉપલેટા કિન્નર અખાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ડાડાની ન્યાજની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ધોરાજી-ઉપલેટા તાલુકાના કિન્નરો તેમજ વિવિધ અખાડાઓના કિન્નરો સામેલ થયા હતા. આ ઉજવણી ડીજેના તાલે વાજતે ગાજતે કરવામાં આવી હતી.
જલજલાસા પીરની દરગાહ ખાતે ઉજવણીઃ ધોરાજી શહેરની જલજલાસા પીરની દરગાહ ખાતે દર વર્ષે ડાડાની નયાજની ઉજવણી કરવામાં આવે છે. ચાદર પણ ચડાવવામાં આવે છે. આ ઉત્સવ 2 દિવસ માટે ઉજવાય છે. ધોરાજી શહેરમાં ઉજવવામાં આવેલ આ ઉત્સવમાં કિન્નરો સોળે શણગાર સજીને વાજતે-ગાજતે ડીજેના તાલ સાથે આ ઉજવણી કરતા અને રાસ રમતા જોવા મળ્યા હતા.
2 દિવસનો ઉત્સવઃ ઉપલેટાના કિન્નર અનુદે જણાવ્યું હતું કે, ધોરાજી-ઉપલેટા કિન્નર અખાડા દ્વારા ધોરાજીની જલજલાસા પીર દરગાહ ખાતે ચાદર ચડાવવમાં આવે છે અને ડાડાની ન્યાજની ઉજવણી કરાય છે. જેમાં મણીદો, ભાત, ખીર સહિતના ભોજન પ્રસાદનું આયોજન કરાય છે. આ ઉજવણીમાં એક દિવસ અગાઉ રાસ ગરબા અને બીજા દિવસે વાજતે ગાજતે ફુલેકાનું આયોજન કરવામાં આવે છે. કિન્નરો સોળે શણગાર સજીને ઉત્સવની ઉજવણી કરે છે. વિવિધ અખાડાઓના કિન્નરોને આમંત્રણ આપવામાં આવે છે. લોકો દ્વારા આપવામાં આવતી બક્ષિસ અને ભેટ સોગાતના આવકમાંથી થોડો હિસ્સો તેઓ અલગથી કાઢતા હોય છે અને આ હિસ્સા માંથી વર્ષમાં એક વખત આ ઉજવણી કરવામાં આવે છે.
શા માટે ઉજવાય છે આ ઉત્સવ?: આ ઉત્સવ એટલા માટે ઉજવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કિન્નર સમુદાય પાસે કોઈ વ્યવસાય હોતો નથી. તેઓ લોકોએ આપેલ બક્ષિસથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. લોકો દ્વારા આપવામાં આવતી બક્ષિસમાં બક્ષિસ આપનાર તેમજ ન આપનાર એમ દરેક સલામત અને સુરક્ષિત રહે, આર્થિક સંકડામણ ન અનુભવે, શ્રીમંત રહે અને આવક માંથી થોડી બક્ષિસ કિન્નર સંપ્રદાયને આપતા રહે તેવી પ્રાર્થના કરવાનો છે.