રાજકોટ : ધર્મેન્દ્ર રોડ સ્થિત લગભગ 100 વર્ષ જૂના લાખાજીરાજ શાકમાર્કેટનું બાંધકામ નબળું જણાતા રાજકોટ મનપાએ તેને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. સાથે જ વેપારીઓને જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. બાંધકામ વર્ષો જૂનું હોવાથી ઘણી જગ્યાએ નબળું પડ્યું છે.
શાકમાર્કેટ ખાલી કરવા નોટિસ : રાજકોટ મહાનગરપાલિકાએ જર્જરિત થઈ ગયેલ લાખાજીરાજ શાકમાર્કેટને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. સાથે જ ત્યાં બેસતા 100 થી વધુ ધંધાર્થીઓને પાંચ દિવસમાં શાકમાર્કેટની જગ્યા ખાલી કરવાની નોટિસ આપી હતી. તેથી ધારાસભ્ય ઉદય કાનગડની અધ્યક્ષતામાં તમામ થડાધારકો કોર્પોરેશન કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
વેપારીઓની રજૂઆત : વેપારીઓએ ધારાસભ્યની અધ્યક્ષતામાં રજૂઆત કરી કે, આ શાકમાર્કેટ હેરિટેજની વ્યાખ્યામાં આવે છે, માટે તોડી શકાય નહીં. ફક્ત રિપેર જ થઈ શકે. હેરિટેજમાં આવતી મિલકત તોડી શકાય નહીં, તેની જાળવણી કરવાની ફરજ તંત્રની છે. આ શાકમાર્કેટ રાજકોટની ઐતિહાસિક ધરોહર છે. આનું સ્ટ્રક્ચર જોવા અને ફોટા પાડવા દેશ-વિદેશથી પણ લોકો આવે છે. રાજકોટના લોકો માટે આ એક મહામુલા સંભારણા સમાન છે.
રાજકોટ મનપાનો નિર્ણય : રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે, 29 જુલાઈથી લાખાજીરાજ શાકમાર્કેટનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવશે. સાથે જ તાકીદે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની સૂચના આપી હતી. ઉપરાંત હાલ રેકર્ડ પર રહેલા તમામ થડા તથા વખાર અને દુકાનોના વેપારીઓને તે સ્થાને જ તેમની જગ્યા પરત આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.