રાજકોટ: શહેરના આંબેડકર નગરમાં એક મકાનના બાંધકામ દરમિયાન 2 શ્રમિકોને વીજ કરંટ લાગ્યો છે. 2 પૈકી 1 શ્રમિકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જયારે બીજો શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ સમગ્ર કિસ્સાની તપાસ માલવીયાનગર પોલીસ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટના આંબેડકર નગરમાં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. જે મકાનનું બાંધકામ થઈ રહ્યું હતું તેની નજીકથી 11KVની વીજ વાયરની લાઈન પણ પસાર થઈ રહી હતી. આજે સવારે 2 શ્રમિકો મકાનના ઉપરના ભાગે કામ કરી રહ્યા હતા. તેમને અચાનક કરંટ લાગ્યો હતો. આ કરંટ એટલો જોરદાર હતો કે બંને શ્રમિકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં 39 વર્ષીય મુકેશ પરમાર નામક શ્રમિકનું મોત થયું છે. જ્યારે બીજો શ્રમિક મહેશ નીનામા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
મારા મોટાભાઈ દેવશી વઘેરાના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેમાં 2 શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી 1નું મૃત્યુ થયું છે અને બીજા શ્રમિકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વીજ કરંટથી 1 શ્રમિકનું મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે...દીપક વઘેરા(સ્થાનિક, આંબેડકરનગર, રાજકોટ)