રાજકોટ : લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં ભાજપ દ્વારા આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ લોકસભા બેઠક ઉપરથી હાલમાં રાજ્યના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વર્તમાન સાંસદ મોહન કુંડારીયાની ટિકિટ કપાઇ છે. છેલ્લી બે ટર્મથી મોહન કુંડારીયાને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતી હતી અને તેઓ જીતતા હતાં, પરંતુ આ વખતે ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે.
હાલમાં રૂપાલા કેન્દ્ર સરકારના મંત્રી : પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954માં ઈશ્વરીયા ગામમાં થયો હતો. જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએસસી તેમજ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેમને સવિતાબેન સાથે લગ્ન કર્યા છે. પુરુષોત્તમ રૂપાલાને એક પુત્ર અને એક પુત્રી છે. પુરુષોત્તમ રૂપાલા રાજ્ય સભાના મેમ્બર હતાં ત્યારે તાજેતરમાં જ તેમની ટર્મ પૂર્ણ થઈ છે. એવામાં હવે ભાજપ દ્વારા તેમને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રૂપાલા રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે 1977 થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી તેઓ નવેમ્બર 1983 થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ રહી ચૂક્યા છે.
1988માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ : પુરુષોત્તમ રૂપાલા વર્ષ 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતાં. જેના કારણે 1992માં ભારતીય જનતા પાર્ટીના સચિવ તરીકે તેમની સેવા શરૂ થઈ હતી. તેઓ ફેબ્રુઆરી 2002 થી 2004 સુધી યુવા છાત્રાલયના અધ્યક્ષ હતાં. તેમણે અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી, માદડ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત વીજ બોર્ડ યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સતત 3 વખત સેવા આપી હતી. તેઓ 19 માર્ચ 1995 થી 20 ઓક્ટોબર 1995 સુધી અને ફરીથી 4 નવેમ્બર 1995 થી 18 સપ્ટેમ્બર 1996 સુધી નર્મદામાં સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી હતાં. તેમણે માર્ચ 1997 થી ડિસેમ્બર 1997 સુધી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની અધ્યક્ષતા કરી હતી. જ્યારે રૂપાલા જૂન 1998 થી ઓક્ટોબર 2001 સુધી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (G.I.D.C.) ના અધ્યક્ષ હતાં.
જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યાં : પુરુષોત્તમ રૂપાલા વર્ષ 2008-2009માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. જ્યાં તેમણે ખાદ્ય, ઉપભોક્તા બાબતો અને જાહેર વિતરણ સદસ્ય, કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય સભ્યની સમિતિમાં સેવા આપી. જ્યારે શિપિંગ મંત્રાલયની સમિતિમાં સભ્ય અને રસાયણ અને ખાતરોની સમિતિના સભ્ય, કૃષિ સમિતિ તરીકે પણ સેવાઓ આપી છે. કોંગ્રેસના વર્તમાન સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતાં. મે 2019 થી જુલાઈ 2021 સુધી, તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેમજ જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા હતાં.