રાજકોટ: જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે જણશી લઈને આવેલ વાહન ચાલકને વેપારી સાથે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટમાં વાહન ચાલકે વેપારીઓ ઉપર બોલેરો પીકઅપ વાન ચડાવી દીધી હતી. આ ઘટનામાં કુલ 4 વેપારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. યાર્ડમાં વેપારીઓ ઉપર જીવલેણ હુમલો થતાં વેપારીઓએ તાત્કાલિક હરાજી સંપૂર્ણ બંધ કરી દીધી હતી. વેપારીઓએ આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા અને વેપારીઓને સુરક્ષા આપવાની માંગ કરી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે આજે સવારે જામ કંડોરણાના ધોળીધાર ગામેથી ઘુઘા રબારી નામનો શખ્સ પોતાની બોલેરો પીકઅપ વાનમાં મરચા ભરીને લાવ્યો હતો. તેનું વાહન ખાલી થઈ જતા યાર્ડમાં પ્રશાંત ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા પ્રશાંતભાઈ પાઘડાળ નામના વેપારીએ ઘુઘા રબારીને બોલેરો ગાડી સાઈડમાં લેવાનું કીધું હતું. જેથી ઘુઘા રબારી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે વેપારીઓને ગાળો આપી હતી. વેપારીઓએ ગાળો ના બોલવાનું કહેતા તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો. ઘુઘા રબારી અને તેની સાથે આવેલ ઈસમોએ પ્રશાંત પાઘડાળ, તેમના ભાઈ ધ્રુવ અને પિતા ચંદુભાઈને મૂઢ માર માર્યો હતો. વેપારીઓ આ મારપીટમાં છોડાવવા માટે એક્ઠા થયા હતા. તે સમયે ઘુઘા રબારીએ પોતાની બોલેરો પિક અપ વાન ત્યાં ઉભેલ વેપારીના ટોળાઓ ઉપર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘુઘો રબારી બોલેરો લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે તેની સાથે બોલેરોમાં આવેલ બીજા શખ્સને વેપારીઓએ ઝડપી લીધો હતો. આ ઘટનામાં પ્રશાંત પાઘડાળ સહિત કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
પોલીસ કાર્યવાહીઃ આ બનાવની જાણ થતાં જ માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન દ્વારા પોલીસ બોલાવામાં આવી હતી. વેપારીઓએ ઝડપેલ એક હુમલાખોરને પોલીસ હવાલે કરાયો હતો. વેપારીઓએ સત્વરે હરાજી બંધ કરી ઈજાગ્રસ્ત વેપારીઓની હાલચાલ પૂછવા સરકારી હોસ્પિટલે ધસી ગયા હતા. ઈજાગ્રસ્ત વેપારીઓ અને માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ નલિન ભુવાએ હુમલાખોરોને ઝડપી લેવાની માંગ સાથે અચોક્કસ મુદત માટે યાર્ડમાં હરાજી બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી.
માર્કેટિંગ યાર્ડના મરચના વિભાગમાં માથાકુટ થઈ હતી. જેમાં વેપારીઓ પર બોલેરો ગાડી ચઢાવી દેવામાં આવી હતી. પોલીસ સ્તવરે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી...હરેશ ગઢીયા (વાઈસ ચેરમેન, જેતપુર માર્કેટિંગ યાર્ડ)
અમે વાહન ચાલકને ગાડી સાઈડમાં લેવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો. તેણે ગાળો બોલી, મારામારી કરી અને વેપારીઓના ટોળા પર બોલેરો પિકઅપ વાન ચડાવી દીધી હતી...પ્રશાંત પાઘડાળ (ઈજાગ્રસ્ત વેપારી, જેતપુર)
આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે હરાજી બંધ રહેશે ...નલીન ભુવા (પ્રમુખ, જેતપુર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન)