રાજકોટઃ TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકો જીવતા ભુંજાયા છે. આ અગ્નિકાંડમાં સવાલ એ છે કે નિયમ પ્રમાણે 200 લિટર જ ડિઝલનો જથ્થો રાખવાનો નિમય હોય તો પછી આ કાંડમાં 2500 લિટર ડીઝલ આવ્યું ક્યાંથી અને આવ્યું તો કેવી રીતે આવ્યું.
200 લીટર ડીઝલનો નિયમઃ સરકારી નિયમ અનુસાર હોસ્પિટલ, જનરેટર કે મેડિકલ સાધનના ઉપયોગ માટે 200 લિટરનો જથ્થો રાખવાની પરમિશન હોય છે. આ TRP ગેમ ઝોનમાં તો 1500 લિટર પેટ્રોલ અને 2500 ડીઝલનો જથ્થો આવ્યો ક્યાંથી તે સંદર્ભે સવાલો ઊભા થઈ રહ્યા છે.
શું કહે છે પેટ્રોલ ડીઝલ એસોસિયેશનના પ્રમુખ?: રાજકોટ પેટ્રોલ-ડીઝલ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે સંદર્ભે અમારા ડીલર્સ ખુબ જ દુખી છે. પહેલી વાત તો એ છે કે, આટલા મોટા પ્રમાણમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો કોઈ આપી શકે નહીં. આટલા મોટા પ્રમાણમાં પેટ્રોલ રાખવું તે લીગલ નથી. જ્યારે ડીઝલની વાત કરવામાં આવે તો ખેડૂત, જનરેટર સેટ, હોસ્પિટલ જેવા સ્થળોએ 200 લિટરથી વધારે લઈ શકાતું નથી. જેની કાયદાકીય જોગવાઈ પણ છે. આટલી મોટી ક્વોન્ટીટીમાં કોઈ પણ ડીલર પેટ્રોલ કે ડીઝલ આપી શકે નહીં. આ સાથે જ કોઈ પણ ડીલર પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપી શકે નહીં.
શું છે જોગવાઈ?: રાજકોટ પેટ્રોલ-ડીઝલ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને પેટ્રોલ જોઈતું હોય તેમને આઈડી પ્રુફ આપવાનું હોય છે તેમજ એલ્યુમિનિયમની બોટલમાં જ પેટ્રોલ આપવામાં આવે તેવી જોગવાઈ છે. જે મહિલાઓ કે વૃદ્ધનું વાહન ખરાબ કે બંધ થઈ ગયું છે તેમને જ 25-50 રૂપિયાનું પેટ્રોલ આપી શકાય છે. પેટ્રોલ-ડીઝલ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર જે પણ વ્યક્તિના ઘરે જનરેટર , JCB અથવા મેડિકલના સાધનો હોય તેમણે 200 લિટર ડીઝલ મળી શકે છે. કોઈને એમને એમ જોઈતુ હોય તો ડીઝલ આપી શકાય નહીં.