ગાંધીનગરઃ ગાંધીનગર સચિવાલય ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યની તમામ શાળા, કોલેજ, ધાર્મિક સ્થળ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, ગેમ ઝોન તેમજ જાહેર હરવા ફરવાના સ્થળો પર ચેકિંગના આદેશ આપ્યા છે. જે સ્થળો પર ફાયર એનઓસી સહિતના જરૂરી સરકારી મંજૂરીઓ નહીં હોય તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. જવાબદાર અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાની સરકારે ચીમકી આપી છે.
જિલ્લા કલેક્ટરને આદેશઃ ગુજરાતના તમામ જિલ્લા કલેકટરોને પોતાના વિસ્તારમાં આવતી તમામ સંસ્થાઓની ફાયર એનઓસી સહિતના જરૂરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવાનો કડક આદેશ આપ્યો છે. કલેકટર કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ સીધો ગાંધીનગર મોકલવા હુકમ કર્યો છે. ફાયર સેફટી નહિ હોય તેની સામે ગુનો નોંધાશે. રાજ્યના તમામ કલેક્ટરે જિલ્લા પોલીસ અધિકારી અને કમિશ્નર સાથે બેઠક કરીને ફાયર સેફટી ચકાસણી માટેનું એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
ગુનો નોંધાશેઃ આજથી જ રાજ્યના તમામ જાહેર સ્થળો જેવા કે સ્કૂલ કોલેજ મોલ ગેમ ઝોન ફૂડ કોર્ટ ફૂડ ઝોન ભીડવાળા બજારો ધાર્મિક સ્થળો, જ્યાં લોકોની વધુ ભીડ હોય તેવા એકમોની ચકાસણી કરવાના આદેશ કર્યા છે. ફાયર સેફટી અને ગેરકાયદેસર બાંધકામો બાબતે માલતદાર અને પોલીસ સાથે મળીને કાર્યવાહી કરશે. આ ઉપરાંત ફાયર સેફટી ન હોય તેવી બેદરકારી દાખવતા એકમો સામે ગુનો નોંધવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકાર માટે ચેલેન્જઃ રાજ્યમાં સુરત બાદ રાજકોટમાં બનેલી આગ દુર્ઘટના રાજ્ય સરકાર માટે મોટી ચેલેન્જ સમાન છે. સુરતમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી અને ગેરકાયદેર બાંધકામો દૂર કરવા માટે ઝુંબેશ ચાલવામાં આવી હતી. જો કે હવે રાજકોટમાં બનેલી ઘટના બાદ રાજ્યમાં ઝુંબેશરૂપે ફાયર સેફટી ચકાસણી કરવામાં આવશે. આજે તમામ જિલ્લાના કલેકટર દ્વારા જિલ્લા પોલીસ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા સંલગ્ન અધિકારીઓને વિડીઓ કોન્ફરન્સ કરીને સૂચના આપવામાં આવી હતી. મોટી દુર્ઘટનાઓ બાદ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગતી સરકારનો આદેશ જિલ્લા વહીવટી તંત્ર કેટલો અમલ કરે તેની પર સમગ્ર રાજ્યની જનતાને મીટ મંડાયેલી છે.