રાજકોટ: અત્યંત ચકચારી એવા રાજકોટ ગેમ ઝોન બ્લાસ્ટના આરોપી એમ. ડી. સાગઠીયાની તપાસમાં ACBએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ACBને ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા પાસેથી રુપિયા 10.55 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. ACBએ મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. ACBએ સાગઠીયાના ભાઈની રાજકોટની ઓફિસ અને વતનમાં પણ દરોડા પાડયા હતા.
અપ્રમાણસર મિલકતઃ આ અગ્નિકાંડના મુખ્ય આરોપી સાગઠીયાની તમામ મિલકતોની તપાસ કરતા ACBને જણાયું હતું કે, સાગઠીયાએ જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ગેરકાયદેસર રીતે, ભ્રષ્ટાચારથી નાણાં મેળવીને વિવિધ મિલકતમાં રોકાણ કર્યુ હતું. આરોપી મનસુખ સાગઠિયા પાસેથી તેની કાયદેસરની આવક રૂ. 2,57,17,359ના પ્રમાણમાં તેના તથા તેના પરિવારજનોના નામે રૂ. 13,23,33,323નું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આમ ACBને સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે.
410 ટકા વધુ સંપત્તિઃ સાગઠીયાએ હોદાનો દુરૂપયોગ કરી, ગેરકાયદેસર રીતે, ભ્રષ્ટાચારથી નાણાં મેળવીને વિવિધ મિલકતમાં રોકાણ કર્યુ હતું. આરોપી પાસે આવક કરતાં 410% વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં રોકાણ કર્યુ હતું. જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.