રાજકોટઃ સમગ્ર ગુજરાત જ નહિ પરંતુ દેશને હચમચાવી દેનાર રાજકોટ ગેમઝોન ફાયર એક્સિડન્ટના 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 3 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બાર એસો.ના વકીલની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈને કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મનપા કમિશ્નર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે.
સરકારી વકીલની દલીલોઃ કોર્ટમાં સરકારી વકીલ તરફથી ધારદાર દલીલો કરવામાં આવી હતી. સરકારી વકીલોએ કહ્યું કે, 28 લોકોના મોત છતાં આરોપીઓના મોઢા પર શરમ નથી. પોલીસના એકેય પ્રશ્નોના જવાબ આરોપીઓએ આપ્યા નથી. સરકારી વકીલે કહ્યું કે ગેમિંગ ઝોનમાં કેટલા લોકો કામ કરતા હતા જેનો જવાબ મળ્યો નથી. FSL અધિકારીઓએ તપાસ કરી જ્યાં માનવ અવશેષો મળી આવ્યા છે. આરોપીઓને સીસીટીવી દેખાડવામાં આવ્યા છતાં તેના કર્મચારીઓને ઓળખી શક્યા નથી.
આરોપીઓનું નિવેદનઃ રાજકોટ અગ્નિકાંડમાં કોર્ટમાં રજૂ કરાયેલા 3 આરોપીઓએ કોર્ટમાં નિવેદનો આપ્યા હતા. આરોપીઓએ કહ્યું કે, અમારી પાસે જેટલી માહિતી હતી અને સવાલ કરવામાં આવ્યા તેના જવાબ આપ્યા છે. અમને ફક્ત સીસીટીવી દેખાડવામાં આવ્યા છે, પૂછપરછ કરાઈ નથી. અમને કોઈની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું નથી. લોકો માટે દરવાજા બંધ કરી દેવાયા તે આરોપો ખોટા છે. આરોપીઓએ કહ્યું કે અમે માલિક નથી, અમે ત્યાં નોકરી કરીએ છીએ. હાલ કોર્ટે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
3 આરોપીઓ ફરારઃ રાજકોટ અગ્નિકાંડના 3 આરોપીઓ નીતિન જૈન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં કુલ 6 આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી 3 આરોપીઓ ફરાર છે.