રાજકોટ: ધોરાજીની જનતા છેલ્લા ઘણા સમયથી સ્મશાન બાબતે પરેશાની ભોગવી રહી છે. જેમાં કહેવાય છે કે લોકોને મૃત્યુ પછી મોક્ષ અને શાંતિ મળે છે, પરંતુ ધોરાજી શહેરની સ્મશાનની હાલત જોઈને ચોક્કસપણે કહી શકાય કે અહીં આવતા મૃત લોકોના મૃતદેહને સ્મશાનમાં પણ અસુવિધાઓ ભોગવવાનો વારો આવતો હશે. કારણ કે અહીં સ્મશાનની અંદર ઈલેક્ટ્રીક પટ્ટી છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે, ઉપરાંત અહીંયા યોગ્ય સાફ-સફાઈ ન થતા મૃતકોના પરિવારજનોને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી મૃતદેહને અગ્નિદાહ: ધોરાજીના સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રીક ભઠ્ઠી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે, તો બીજી તરફ સ્મશાનમાં આવેલ ધાર્મિક મૂર્તિઓના આજુબાજુના વિસ્તારમાં ગંદકી અને સાફ સફાઈનો અભાવ જોવા મળતા લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાય રહી છે. આ સાથે જ લાકડાનો પણ યોગ્ય જથ્થા ન હોવાથી અંતિમ સંસ્કારની અંદર મૃતકોના પરિવારજનોને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી મૃતદેહને અગ્નિદાહ દેવો પડે છે, ત્યારે આ સમયે પરિવારજનોની ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. ઉપરાંત માનવતાના અંતિમ વિધિ માટે બનાવેલા સ્મશાનમાં તંત્ર ઈશ્વરનો ડર રાખીને યોગ્ય અંતિમ વિધિ થાય તે માટે જાગે તે ચોક્કસપણે જરૂરી છે. કારણ કે દરેકને મૃત્યુ બાદ અહીંયા જ આવવું પડે છે જેથી તંત્ર અને જવાબદાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.
દારૂનો અડ્ડો પણ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા: ધોરાજી શહેરમાં આવેલા સ્મશાનમાં મૃત વ્યક્તિઓને અંતિમવિધિ માટે બનાવેલ સ્થાન પણ પીડાદાયક હોવાનું સામે આવ્યું છે. કારણ કે, અહીં ખંઢેર હાલતમાં પ્રતિમાઓ અને રસ્તાઓ પર જાળી જાખરાઓ ભરપૂર જોવા મળી રહ્યા છે. તો સાથે જ અહીંયા દારૂનો અડ્ડો પણ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે અહીંયા દેશી દારૂની પોટલીઓની પણ ભરમાર જોવા મળી રહી છે.
આ મામલે તંત્ર સક્રિય બને તેવી માંગ: પરિણામે સ્થાનિક લોકો દ્વારા પોલીસની કામગીરી ઉપર પણ શંકાની સોય ચોક્કસપણે ઊભી થઈ રહી છે. સાથે જ નગરપાલિકાની ઢીલી નીતિને કારણે મૃત વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષ માટેનું સ્થાન પણ ખંઢેર હાલતમાં હોવાનું જણાઇ આવતા તેમના પરિવાર, સગા-સંબંધીઓની ધાર્મિક લાગણીઓ દુબઈ રહી હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે તંત્ર કેટલું સક્રિય બને છે તે તો આવતા સમયની અંદર જ ખ્યાલ આવે છે, પરંતુ હાલ ધોરાજીના સ્મશાનમાં આવતા સૌ કોઈ લોકો વર્તમાન સમયની પરિસ્થિતિ અને જાળવણીના અભાવના કારણે રોજ તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો: