રાજકોટઃ વર્ષ 2022માં ઉપલેટા પંથકમાં 3 વર્ષની બાળકીને સાવકા પિતા દ્વારા છેડતી કરાઈ અને માર મારવામાં આવ્યો હતો. સાવકા પિતાના ગુનામાં તેના એક મિત્રએ પણ સાથ આપ્યો હતો. આ બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. જેની ફરિયાદ પણ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપી સાવકા પિતા અને તેના મિત્રને 5 વર્ષની કેદ અને 20000 રુપિયા દંડ ફટકાર્યો છે. આ ઘટનાથી સાવકા પિતાની ટિકા ચોમેર થઈ રહી છે.
સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટના ઉપલેટામાં 3 વર્ષની બાળકીની માતાએ આરોપી ધર્મેશ ચુડાસમા સાથે બીજા લગ્ન કર્યા હતા. જો કે ધર્મેશને આ 3 વર્ષની બાળકી પસંદ નહતી અને તે બાળકી પ્રત્યે ઓરમાયુ વર્તન કરતો હતો. બનાવના દિવસે બાળકીનો સાવકો પિતા ધર્મેશ અને તેનો મિત્ર ચીમન મુછડીયા બાળકીને ઘરમાં બનેલ દુકાનમાં લઈ ગયા હતા. જ્યાં આરોપીએ બાળકીને કપાળ, પેટ,પીઠ અને ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી હતી. આ બનાવથી બાળકીની તબિયત બગડી ગઈ હતી. જેથી બાળકીને પાટણવાવના ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. જો કે બાળકીની તબિયત ન સુધરતા તેણીને મોટીમારડ સરકારી દવાખાને લાવવામાં આવી. અહીં સાવકા પિતા ધર્મેશે બાળકીને માતાને ખોટી હિસ્ટ્રી રજૂ કરવા દબાણ કર્યુ હતું. જો કે બાળકીને અહીં પણ ફેર ન પડતા ઉપલેટા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
ફરજ પરના ડૉક્ટરની સતર્કતાઃ ઉપલેટા સરકારી હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબ નિસર્ગ પટેલને આ બાળકીની ઈજા જોતા શંકા ગઈ. તેમણે બાળકીની માતાને વિગતે પુછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ત્યારબાદ બાળકીની માતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન પીઆઈ યશપાલ સિંહ રાણાએ તપાસ હાથ ધરી હતી. જેમાં વધુ તપાસ ગજેન્દ્ર સિંહ ઝાલાએ કરી હતી. આજ રોજ ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપી સાવકા પિતા અને તેના મિત્રને 5 વર્ષની સજા અને 20 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કાર્યવાહી દરમિયાન આરોપીઓએ બાળકીની માતાએ ખોટી જુબાની આપી ખોટી ફરિયાદ કરી હોવાની દલીલ પણ કરી હતી. જે કોર્ટે માન્ય રાખી નહતી. ન્યાયાધીશે આઈપીસીની કલમ 323, 354 અને પોક્સોની કલમ 8 અને 10 અંતર્ગત આરોપીને ગુનેગાર ઠેરવ્યા હતા.
આરોપી ધર્મેશ ચુડાસમા જે બાળકીનો સાવકો પિતા પણ છે તેને અને તેના મિત્ર ચીમન મુછડીયાએ બાળકીને ગુપ્તાંગના ભાગે, પીઠ, પેટ અને કપાળમાં ગંભીર માર માર્યો હતો. આજે ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીઓને ગુનેગાર ઠેરવીને 5 વર્ષની કેદ અને 20000 રુપિયાનો દંડ ફટકાર્યો છે...કાર્તિકેય પારેખ(સરકારી વકીલ, ધોરાજી સેશન્સ કોર્ટ)