રાજકોટ: છેલ્લા ઘણાં સમયથી શહેરમાં પેસેન્જરોને ખંખેરતી ગેંગનો ત્રાસ વધ્યો હતો. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ કમિશ્નર ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને ક્રાઈમ ACP ભરત બી. બસીયા દ્વારા શહેરી વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી તેમજ રિક્ષા તથા અન્ય પેસેન્જરવાળા વાહનોમાં પેસેન્જર બેસાડી ત્યારબાદ પેસેન્જરના પાકીટ (રૂપિયા) ચોરીના બનતા ગુનાઓ અટકાવવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે રીક્ષા ગેંગને ઝડપી પાડી: શહેરમાં ઘણા સમયથી ચકચાર મચાવતી રીક્ષા ગેંગને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા અને એમ.એલ.ડામોરની રાહબરી હેઠળ તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે મોરબી રોડ પર બેડી ચોકડી નજીકના પેટ્રોલ પંપ નજીકથી પોલીસે રીક્ષા સહિત ચાર લોકોને ઝડપી લીધા હતા.
કુલ 25 ચોરી કરી હોવાની કબુલાત: ઝડપાયેલા શખ્સોમાં દિનેશ ઉર્ફે કાળીયો હરીભાઈ ડાભી, કિશન મગનભાઈ વાંજા, આકાશ કિશનભાઈ વાણોદીયા, પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી પાસેથી ઓટો રીક્ષા, મોબાઈલ ફોન અને 56 હજારની રોકડ સહિત કુલ રૂપિયા 1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા આ શખ્સોની પુછતાછ કરતા આ ટોળકીએ છેલ્લા ત્રણેક માસ દરમિયાન રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં મળી મુસાફરોને રીક્ષામાં બેસાડી 25 ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
રીક્ષા ગેંગે પેસેન્જરના આટલા રૂપિયા ખંખેરી નાખ્યા
- દોઢ મહિના પુર્વે માડાડુંગર પાસેથી પેસેન્જરના 19,500
- 20 દિવસ પુર્વે ગોંડલ રોડ પરથી 8000
- ગૌરીદડ ગામના રોડ પર પેસેન્જરના 4000
- 15 દિવસ પુર્વે ગ્રીનલેન્ડ ચોકડી પાસે 2500
- પખવાડીયા પુર્વે માર્કેટીંગ યાર્ડ પાસે 1500
- 10 દિવસ પુર્વે કે કેવી ચોક પાસે 3000
- વિધાનગર મેઈન રોડ પરથી 7500
- 7 દિવસ પુર્વે ગોંડલ ચોકડી પાસેથી 13,500
- ત્રણ મહિના પુર્વે અમદાવાદમાં ચાંગોદર ચોકડીથી વચ્ચે રાજકોટ તરફ આવતા હતા ત્યારે અલગ અલગ પાંચ વ્યકિતઓ પાસેથી 15000, 400, 700, 900 તેમજ 1500 રોકડની ચોરી કરી હતી.
- 20 દિવસ પુર્વે જૂનાગઢથી કેશોદ જતા રોડ પર પેસેન્જરના 4500
- 10 દિવસ પુર્વે શાહપુર પુલ પાસે 2600
- બે મહિના પુર્વે હળવદના ઉંચી માંડણ પાસે 7500
- દોઢ મહિના પહેલા સામખીયાળી પાસે પેસેન્જરના 4000
- દોઢ મહિના પુર્વે મોરબી પાડા પુલ પાસે 3500
- એક મહિના પુર્વે રફાળા ગામે 1000
- વાંકાનેરના નવા પુલ પાસે 7000
- 20 દિવસ પુર્વે ટંકરા–મોરબી રોડ પર 6000
- 15 દિવસ પુર્વે મોરબીના પાવડીયા પાસે 3 પેસેન્જરના મળી 10,200
- દોઢ મહિના પુર્વે માટેલ પાસે 6000
- 6 મહિના પુર્વે ટંકારા પાસે 7500
- મોરબી બેઠા પુલ પાસે 9500 અને
- 6 દિવસ પુર્વે મોરબી બાવળીયાળી પાસે મુસાફરના રૂપિયા 10,000 મળી કુલ 1,57,600 રૂપિયા ખંખેરી લીધા હતા.
આરોપીઓ સામે હત્યા સહિતના ગુના: આરોપીઓ પૈકી દિનેશ ઉર્ફે કાળીયા સામે અગાઉ આજીડેમ, બી–ડીવીઝન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મળી ચોરી સહિતના ચાર ગુના નોંધાઈ ચુકયા છે. કિશન વાંજા સામે બી–ડીવીઝન અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ચોરી, દારૂ સહિતના ચાર ગુના, આકાશ સામે ગાંધીગ્રામમાં ચોરીનો એક ગુનો અને પ્રકાશ સામે ગાંધીગ્રામમાં હત્યા, દારૂ અને થોરાળામાં ચોરીનો ગુનો નોંધાઈ ચુકયો છે.
આ પણ વાંચો: