રાજકોટઃ હાલમાં વહેલી સવારે લોકો ઠંડી અને બપોરે તડકાનો અનુભવ કરી રહ્યા છે. બેવડી ઋતુના કારણે શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં શરદી, ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.
કેસની સંખ્યામાં વધારોઃ રાજકોટના અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયામાં શરદી ઉધરસના 1263 કેસીસ, સામાન્ય તાવના 173 કેસીસ અને ઝાડા-ઉલ્ટીના 256 કેસીસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના પણ 1-1 કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હવે આ મામલે પણ વધુ કાર્યવાહી કરાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્ર સાથે રાજકોટ સિવિલ હોસ્પિલમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. રાજકોટમાં રોગચાળાની વાત કરીએ તો ગયા વર્ષ કરતા આ વર્ષની સરખામણીએ ઓછા કેસ નોંધાયા છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા છે પરંતુ હજૂ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી તે એક હકારાત્મક બાબત છે. દર્દીઓને અહીંયા 5 દિવસની દવા આપવામાં આવે છે. ઝાલા ઊલટીના કેસ બાદ હોસ્પિટલમાં શરદી ઉધરસના કેસ વધ્યા છે અને સાથે ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે...ડૉ. આર. એસ. ત્રિવેદી(સુપ્રીન્ટેડન્ટ, રાજકોટ સિવિલ હોસ્પિટલ)
સાવચેતી રાખવા સલાહઃ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ થોડી વધુ સાવચેતી રાખવી જોઈએ. નાગરિકોએ દિવસ દરમિયાન હુંફાળું ગરમ પાણીનું સેવન કરવું, આ સાથે વહેલી સવારે જ્યારે મોર્નિંગ વોક કરતા નાગરિકો આખી બાંયના કપડાં પહેરીને જાય તેમજ ઘરે બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરે તો આ પ્રકારના વાતાવરણથી બચી શકાય છે.