ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ બદલીઓનો દૌર જોવા મળ્યો છે. સાથે જ હાલમાં ગુજરાતને વધુ નવ અધિકારીઓ મળ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 2022ની બેચના 9 પ્રોબેશનર IAS અધિકારીઓને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પોસ્ટીંગના હુકમ કર્યા છે. આ દરમિયાનમાં 2021ની બેચના IAS અધિકારી નિશા ચૌધરી કે જેઓ રાજકોટમાં સીટી પ્રાંત 2ના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમને અમરેલીમાં બદલીના હુકમ કર્યા છે.
કોણ છે નવા પ્રોબેશનર IAS? IAS નીશા ચૌધરીને અમરેલી જિલ્લાના બગસરા ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે સેવા આપવાના આદેશ આપવામાં આવ્યા છે. તેઓ હવે રાજકોટથી અમરેલી બદલી પામ્યા છે. આ ઉપરાંત તેમના સ્થાને જે નવા 2022ની બેચના પ્રોબેશનર IAS અધિકારી પોસ્ટિંગ પામ્યા છે તેમાં મહેક જૈન કે જેઓ હવે તેમના સ્થાને રાજકોટમાં સીટીમાં આસી. કલેક્ટર તરીકે ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પ્રતિભા દહિયાને ભાવનગર, વિદ્યાસાગરને અમદાવાદના ધંધુકા, વંદના મીણાને જુનાગઢના કેશોદ જિલ્લામાં, હિરેન બારોટને આણંદના પેટલાદ ખાતે, પાટણના રાધનપુરમાં રાજેશ કુમાર મૌર્યને, સ્વપનીલ સીસલેને જામનગરના ધ્રોલ ખાતે, તાપીના નિઝર ખાતે ઓમકાર રાજેન્દ્ર શિંદેને તો દેવભૂમિ દ્વારકા ખાતે અમોલ અવાટેને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.