રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને સૌરાષ્ટ્ર-ગુજરાત તથા રાજકોટ માટે મહત્વની એવી જામનગર રોડ પર આવેલી રાજકોટ AIIMS હાલ જાણે લુણો લાગ્યો હોય તેવી સ્થિતિમાં મુકાઈ છે. તાજેતરમાં રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.એસ. કટોચ તથા અન્યો 3 સામે એઇમ્સના એક મહિલા ડોક્ટરે રાજકોટ કલેકટર સમક્ષ તથા પોલીસમાં હેરાનગતિ અંગે ફરિયાદ કરતા ભારે વિવાદ સજર્યો હતો.
એમાં ક્લીન ચીટ મળી તો હવે નવી ચર્ચાએ જોર પકડ્યું છે. AIIMS ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચે 2 મહિના પહેલા ડાયરેક્ટર પદથી રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે, જે મંજૂર નહીં થતા હાલ તેઓ રજા પર ઉતરી ગયા છે. તેમનો ચાર્જ જોધપુર AIIMS ના ડાયરેક્ટર ગોવર્ધન દતપૂરીને સોંપાયો છે. તેઓ ગત રવિવારે રાજકોટ આવ્યા હતા, પરંતુ ફરી દિવાળીની રજા પર અને જોધપુર એઇમ્સની કામગીરી સંભાળતા હોવાથી તેઓ પરત જતા રહ્યા છે.
મળતી વિગત મુજબ લગભગ આઠ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ એઇમ્સનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં હાલ 4 મહત્વની જગ્યા ખાલી છે. અગાઉ સરકારમાં કેન્દીય મંત્રી રહેલા ડો. વલ્લભ કથીરિયાની 2 ઓગસ્ટ, 2023 ના રોજ એઈમ્સના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તેમણે 18 દિવસમાં જ રાજીનામું આપી દીધું હતું, જેથી પ્રમુખપદની જગ્યા ખાલી છે.
અહીં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કર્નલ પુનિત અરોરા હતા. તેઓ ફરી આર્મીમાં ગયા અને હાલ રિટાયર્ડ થઈ ગયા એટલે તે જગ્યા ખાલી છે. પુનીત અરોરાનો ચાર્જ રાજકોટ એઇમ્સના ડો. કુલદીપને સોંપાયો છે. આ ઉપરાંત રાજકોટ એઇમ્સના એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર જયદીપસિંહ વાળાને લઈને પણ ઘણો વિવાદ થયો હતો. જયદેવસિંહ વાળાની પણ ગુજરાત સરકાર દ્વારા 14 ઓક્ટોબરના રોજ અન્યત્ર પોસ્ટીંગ કરી દેવામાં આવી છે, હાલ આ જગ્યા પણ ખાલી છે.
આ બાબતે AIIMS ડાયરેક્ટર કચોટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં.