રાજકોટ : રાજકોટ શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સંત કબીર રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક પર સવાર પિતા-પુત્ર રોડ પર પટકાયા અને પાછળથી આવતા વાહનની અડફેટે આવ્યા હતા. પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયા છે. એક તરફ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટેના સેમિનાર આયોજિત કરવામાં આવે છે. જોકે આ અકસ્માત ખરાબ રોડના કારણે બન્યો હોવાનું જોઈ શકાય છે.
પિતા-પુત્રનું કરુણ મોત : સમગ્ર ઘટના મામલે મૃતકના પાડોશી મનસુખ જાદવે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સવારના સમયે પિતા-પુત્ર કોઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતા. એવામાં શહેરના સંત કબીર રોડ ઉપર રામાપીર મંદિર નજીક બેફામ આવતા દૂધના ટેન્કરે પિતા-પુત્રને અડફેટે લીધા હતા. જેમાં ટેન્કરના પાછળના ટાયર નીચે પિતા-પુત્ર આવી ગયા હતા. ત્યારે આ બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આવતીકાલે તેમના ઘરમાં બહેનનો પ્રસંગ છે. એવામાં આ પ્રકારની ઘટના બની છે જેને લઈને પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું છે. મૃતક પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે પિતા મજૂરી કામ કરતા હતા.
અકસ્માત CCTV કેમેરામાં કેદ : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક પિતા-પુત્ર રણછોડનગરમાં આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતા હતા. મૃતક શૈલેષ મગનભાઈ પરમારની ઉંમર 47 વર્ષ અને અજય શૈલેષભાઈ પરમારની ઉંમર માત્ર 22 વર્ષ છે. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. આ સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સમગ્ર અકસ્માતની ઘટના જોઈ શકાય છે.