નવસારી: ગતરોજથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નવસારીમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં નવસારી તાલુકામાં 9 ઇંચ અને જલાલપુર તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીના 8 કલાકમાં નવસારીમાં પોણા પાંચ અને જલાલપોરમાં 4.50 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના ઘણા રસ્તાઓ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાની સર્જાઇ: વરસાદ સાથે ભારે પવનને કારણે ગણદેવી તાલુકાના સોનવાડી માણેકપુર ઈચ્છાપુર સહિતના ગામોમાં ભારે નુકસાની સર્જાઇ છે. જેમાં ગણદેવી તાલુકાના સોનવાડી, માણેકપુર, ઈચ્છાપુર સહિતના ગામોમાં વીજ પોલ તેમજ 20થી વધુ કાચા મકાનના પતરા ભારે પવનમાં ઉડતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાવાની સાથે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ સોનવાળી ગામમાં પાર્કિંગનો શેડ તૂટતા બે વાહનો દબાઈ જવાની ઘટના સામે આવી છે. અવિરત વરસી રહેલ વરસાદ નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ સાબિત થયો છે.
પાણીમાં વાહનો બંધ થઇ જતા લોકો હેરાન: શહેરના પશ્ચિમમાં રેલવે સ્ટેશનથી એરૂ ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના ભરાવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાણીમાં વાહનો બંધ થઈ જતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. સવારમાં નોકરિયાત વર્ગ જે ટ્રેન મુસાફરી કરે છે, એમને રેલ્વે સ્ટેશન પહોંચવામાં મોડું થયું હતું. લોકો ફૂટપાથ પર ચાલીને જતા નજરે ચડ્યા હતા. વર્ષોની સમસ્યા છતાં આ માર્ગ પર પાણીનો ભરાવો દૂર કરવામાં પાલિકાની નિષ્ફળ રહી છે. જેથી નોકરીયાતો પાણીના ભરાવાને કારણે નોકરીએ પહોંચવામાં મોડું થતા તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.