કચ્છ: જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં લોકોએ ભારે ઉકળાટનો અનુભવ કર્યો હતો. ત્યારે મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 10 તાલુકા પૈકી 8 તાલુકાઓમાં વરસાદ હાજરી પુરાવી હતી. ત્યારે ગાંધીધામ,અંજાર, ભચાઉ અને માંડવીમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. ગામડાંઓમાં પણ વાવાણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોના હર્ષની લાગણી ફેલાઇ હતી. જ્યારે ગાંધીધામમાં 4 ઇંચ, માંડવીમાં 2 ઇંચ,અંજારમાં સવા ઇંચ અને ભચાઉમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી: હવામાન વિભાગે પણ ચોમાસાના કચ્છમાં પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આગામી 5 દિવસ દરમિયાન કચ્છમાં કેટલાંક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ વરસશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આમ તો છેલ્લા 2 દિવસથી ભુજ છે તે રાજ્યમાં સૌથી ગરમ મથક બન્યું હતું ત્યારે વરસાદ બાદ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનું ઘટાડો થયો છે. કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો સખત ઉકળાટ અનુભવી રહ્યા હતા ત્યારે રાત્રે ગાજવીજ સાથે જોરદાર ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ગાંધીધામમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો: પૂર્વ કચ્છના ગાંધીધામમાં સાર્વત્રિક 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 10: 15 વાગ્યાના સમયગાળામાં ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ત્યાર બાદ ભારે ગાજવીજ સાથે વરસાદમાં વધારો જોવા મળ્યો હતો જેના પગલે ગાંધીધામના ચાવલાચોક, મુખ્ય બજાર, ભાઇપ્રતાપ સર્કલ, નીચાણવાળા વિસ્તારો સુંદરપુરી, ભરતનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
ગત મોડી રાત્રે કચ્છના તાલુકાઓમાં વરસાદ
- રાપર: 8 MM
- ભચાઉ: 21 MM
- અંજાર: 37 MM
- ભુજ: 9 MM
- નખત્રાણા: 1 MM
- માંડવી: 53 MM
- મુન્દ્રા: 8 MM
- ગાંધીધામ: 97 MM