રાજકોટ: રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે LCBની ટીમે 55 કિલો ચાંદી સાથે રાજકોટના એક શખ્સને ઝડપી પાડી રૂ.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેની પાસે ચાંદીના જથ્થાનો કોઈ આધાર પુરાવો ન હોવાથી પોલીસે હાલ ચાંદી કબ્જે કરીને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.
રેલ્વે LCB દ્વારા પાર્સલ સાથે 1 શખ્સની ધરપકડ: બનાવ અંગે રેલ્વે LCB ટીમ સાથે રેલ્વે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે સ્ટાફને પ્લેટફોર્મ પર એક શંકાસ્પદ પાર્સલ કુરીયર મારફત ટ્રેનમાં રવાના થવાનું હોય એવી બાતમી મળતાં રેલ્વે LCBની ટીમે પાર્સલ અને તેની સાથે રહેલ શખ્સની અટકાયત કરી હતી. તપાસ કરતા પાર્સલમાંથી ચાંદી મળી આવતાં જેનો વજન કરતાં 55 કિલો ચાંદી હોવાનું સામે આવ્યું હતું.
શખ્સ પાસેથી 24 લાખની ચાંદી કબ્જે કરાઇ: પાર્સલ લઈ આવેલા શખ્સનું નામ પૂછતાં છોટુ શર્મા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની પાસે ચાંદીના જથ્થાના આધાર પુરાવા માંગતા તે રજૂ ન કરી શકતા હાલ તે શખ્સની ધરપકડ કરીને રૂ.24 લાખની ચાંદી કબ્જે કરી હતી. ચાંદીના જથ્થા સાથે પકડાયેલ શખ્સને સકંજામાં લઈ ચાંદી રાજકોટના વેપારીનું છે કે, બહારથી આવેલ છે, તેમજ ચાંદીનો જથ્થો ટ્રેન મારફતે ક્યાં રવાના કરવાનો હતો. તે અંગે વિશેષ પૂછતાછ હાથ ધરી હતી.