છોટાઉદેપુર: 14 જાન્યુઆરી 2024ના રોજ મણીપુરના ઇન્ફાલથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ 5600 કિ.મી. નો પ્રવાસ કરી હાલોલથી છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. તે પહેલા રાહુલ ગાંધીએ પાવાગઢ નીચે ખોડિયાર માતાના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિર ખાતે 51 ફૂટની ધજા માટે 11000નું દાન પાવાગઢ મંદિરને આપ્યું હતું. શિવરાજપુર ખાતે મોટી માત્રામાં ફટાકડા ફોડી યાત્રાનું સ્વાગત કરાયું હતું. જ્યારે જાંબુઘોડા ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો યાત્રાના સ્વાગત માટે ઉભા હતા, જયાં રાહુલ ગાંધી હાથ હલાવી અભિવાદન કર્યું હતું. બોડેલી પાસે આવેલા ખાંડીવાવ ગામના વિશાળ મેદાનમાં નાખેલા ટેન્ટમાં રાહુલ ગાંધીએ રાત્રિ રોકાણ કર્યું હતું. આજે આદિવાસી સંસ્કૃતિ મુજબ મહિલાઓ દ્વારા ઢોલ વગાડી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું બોડેલી ખાતે સ્વાગત કરાયું હતું.
યાત્રાના રાત્રિ રોકાણ માટે કેવી હોય છે વ્યવસ્થા ?
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના રાત્રિ રોકાણ માટે કોઈ સરકારી કે ખાનગી મકાનનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ યાત્રાના રાત્રિ રોકાણ માટે ત્રણ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, યાત્રાના આગલા દિવસે એક ટીમ દ્વારા રાત્રિ રોકાણ માટે ખુલ્લા મેદાનમાં નક્કી કરેલા સ્થળે જઈ ટેન્ટ ઉભો કરવામાં આવે છે, જ્યાંથી યાત્રા નીકળી ગઈ એ ટેન્ટને કાઢી લઈ પછીના દિવસે જ્યાં રાત્રિ રોકાણ હોય ત્યાં સ્થળે પહોંચી ફરી ટેન્ટ ઉભા કરવામાં આવતાં હોય છે, આમ ત્રણ ટેન્ટની ટીમો આગળથી ટેન્ટ ઉભા કરતાં આગળ નીકળે છે.
ટેન્ટમાં કઈ કઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ?
ટેન્ટમાં નાહવા, ધોવા, શૌચાલય માટે ટ્રકોમાં જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ટ્રકની ઉપર પાણી ભરી શકાય એવી લંબ ચોરસ ટેન્ક ગોઠવી બાથરૂમની જેમ નળ કનેકશન આપવામાં આવ્યા છે. જેમાં યાત્રામાં જોડાયેલા લોકો નાહવા ધોવા અને શૌચક્રિયા કરી શકે, તો ટ્રકોમાં જમવા માટેનો સામાન રાખવામાં આવ્યો છે, રાત્રિ રોકાણના સ્થળ પર ટ્રકમાંથી માત્ર સગડીઓ નીચે ઉતારી રસોઇ કામના માણસો દ્વારા યાત્રામાં જોડાયેલા લોકોને ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બપોરના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે ?
યાત્રા દરમિયાન બપોરે એક રસોડું નક્કી કરેલા સ્થળે પહોંચી ટેન્ટ બનાવ્યા વગર રસોઈના સાધનો અગાઉ પહોંચાડી રસોડું બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે, લંચના સમયે લંચ બાદ આ ટ્રકો આગળના સ્થળ પર પહોંચી જાય છે.
રાત્રિ રોકાણ દરમિયાન લાઈટની વ્યવસ્થા
ભારત જોડો ન્યાય યાત્રાના રાત્રિ રોકાણ દરમિયાન લાઈટ માટે યાત્રા સાથે જનરેટરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે જનરેટર દ્વારા દરેક ટેન્ટમાં લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટેન્ટની સુરક્ષા કઈ રીતની હોય છે ?
ટેન્ટ ફરતે પતરાની આડ ઉભી કરવામાં આવે છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હોય, એસ પી. જી પોલીસ અને જીલ્લા પોલીસ દ્વારા સઘન પોલીસ સુરક્ષા બંધોબસ્ત મૂકવામાં આવે છે. ટેન્ટની અંદર એસપીજી પોલીસની પરવાનગી વગર કોઈને પ્રવેશ મળતો નથી. પ્રવેશ મળેલ નેતાઓનું પણ સઘન ચેકીંગ કરી ખાસ નેતાઓને જ ટેન્ટમાં પ્રવેશ આપવામાં આવે છે.
મણિપુરથી યાત્રામાં જોડાયેલા પંતિત અનોખેલાલ તિવારી સાથે etv bhart વાત કરતા જણાવ્યું હતું કે હું 24 જાન્યુઆરીથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાથે જોડાયો છું, અને 56માં દિવસે છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવી પહોંચ્યો છું, યાત્રામાં નાહવા, ધોવા, ખાવા, પીવાની બધી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને યાત્રાના અનુભવ વિશે ખાસ ચર્ચા કરી હતી.
છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તારમાં યાત્રા વિશે વધુ વિગત આપતાં હાથ સે હાથ જોડોના કન્વીનર પ્રો અર્જુન રાઠવા જણાવ્યું હતું કે બોડેલી ખાતે આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબ 250થી વધુ ઢોલ સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે.
10મી માર્ચનો કાર્યક્રમ: 10મી માર્ચ, રવિવારની સવારે 8 કલાકે સુરતના માંડવીથી રાહુલ ગાંધીની યાત્રા શરૂ થશે, જેનું બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત સુરતના બારડોલીમાં અમર જવાન ચોક ખાતે પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ બારડોલીના સરદાર ચોક ખાતે રાહુલ ગાંધી એક જાહેર સભાને સંબોધન કરશે. સભા પૂર્ણ થયાં બાદ યાત્રા આગળ વધતા વ્યારા પહોંચશે અને ત્યાંથી આગળ વધીને સોનગઢ ખાતે બપોરે 2 કલાકે ભોજન લેશે આ પહેલાં સોનગઢમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ મહારાષ્ટ્રના નંદુરબારના વિસારવાડી ખાતે બપોરે 3.30 કલાકે ધ્વજ હસ્તાંતરણના એક કાર્યક્રમમાં ભાગ લેશે.