સુરત: રાજકોટ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને યથાવત ઉમેદવાર તરીકે રાખ્યા છે, જેનો વિરોધ રાજપૂત સમાજમાં છે ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે. જેને ભારતીય જનતા પાર્ટીના નેતાએ શેર કર્યો છે, જેમાં તેઓ રાજા રજવાડા ઉપર ટિપ્પણી કરતા જોવા મળે છે. હવે આ મુદ્દે ગુજરાત રાજકારણમાં નવો વળાંક જોવા મળી રહ્યો છે. હવે ભારતીય જનતા પાર્ટી આ વીડિયોના માધ્યમથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ઘેરવા માંગે છે. આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ભાજપના પ્રદેશ પ્રમુખ આમને સામને આવ્યા છે.
ભાજપમાં અહંકાર છે: રાહુલ ગાંધીના નિવેદનને લઈ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ બહેન અને દીકરીઓનું અપમાન કર્યું છે. ક્ષત્રિયોની એક જ માંગણી હતી કે, તેઓ પરશોત્તમ રૂપાલાને હટાવે પરંતુ ભાજપમાં અહંકાર છે અને પ્રદેશ પ્રમુખે તેમની આ માગણી સ્વીકારી નહી અને ક્ષત્રિયોનું અપમાન કર્યું. ભારતીય જનતા પાર્ટી અમારા સમાજને તોડવા માંગે છે.
પીએમ મોદીએ શું કહ્યું: આ સાથે શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયોને લઇને તેમના પર આકરા પ્રહાર કરતાં જોવા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સંસદમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, રાજા મહારાજાઓની અંગ્રેજોની સાથે સાઠ-ગાંઠ હતી. આગળ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, સૌથી પહેલા કૃષ્ણકુમારસિંહ મહારાજે પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે તેમનું સન્માન કર્યું હતું આ સાથે તેમને મદ્રાસના ગવર્નર બનાવ્યા હતા. હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આક્રોશ ફુટ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠાણા ફેલાવી રહી છે.
કોંગ્રેસની અલગ માનસિકતા છે: બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં રાજા મહારાજાઓને પણ કડવો અનુભવ થયો છે. એનાથી જ લોકો કોંગ્રેસથી દૂર થયા છે.રાજા-મહારાજાઓ માટે રાહુલે જે વિવાદિત નિવેદન આપ્યું છે એ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, કોંગ્રેસ અસમંજસ્વી સ્થિતિ ઊભી કરવા માંગે છે. પ્રિયંકા ગાંધી દ્વારા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે આ કોંગ્રેસની અલગ માનસિકતા છે.
દેશની સંપત્તિ પર પહેલો અધિકાર કોનો: આ સાથે પાટીલે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ અવસાન પામે તો તેમની સંપત્તિ લઈ અને વેચી દેવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, દેશમાં સૌથી પહેલો અધિકાર લઘુમતી કોમનો છે વડાપ્રધાનનું કહેવું છે કે, દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર ગરીબનો છે.