જુનાગઢ: રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ આજે જુનાગઢ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે હાજર રહ્યા હતા. ઈટીવી ભારત દ્વારા ઘેડના વરસાદી પુરના સળગતા પ્રશ્નને લઈને કરવામાં આવેલા સવાલોના જવાબો અંતર્ગત કૃષિ પ્રધાને પણ આડકતરો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ વિસ્તારમાં અંદાજિત ત્રીસ કરતાં વધુ ગામોમાં શિયાળુ પાકોની ખેતી ખૂબ સારી થઈ શકે છે.
![ઘેડના ખેડૂતોનો હલાબોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-07-2024/gj-jnd-01-ghed-vis-01-byte-01-pkg-7200745_30072024120431_3007f_1722321271_846.jpg)
ઉપરાંત ખેડૂતોને ચોમાસા દરમિયાન વરસાદી પૂરને કારણે કૃષિ પાકોમાં થયેલા નુકસાનનું વળતર મળવાની શક્યતા એકદમ નહીંવત જોવા મળે છે. પાછલા ત્રણ દસકાથી ઘેડનો ખેડૂત દર ચોમાસામાં વરસાદી પૂરનો સામનો કરે છે. તેમ છતાં આજદિન સુધી સરકારે સહાયના રૂપે માત્ર આશ્વાસન આપ્યું છે.
![ઘેડના ખેડૂતોનો હલાબોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-07-2024/gj-jnd-01-ghed-vis-01-byte-01-pkg-7200745_30072024120431_3007f_1722321271_14.jpg)
ચોમાસા દરમિયાન ખેતી થઈ શકે નહીં: પાછલા ત્રણ દસકાથી ઘેડનો વિસ્તાર ચોમાસા દરમિયાન વરસાદી પુરમાં ફસાયેલું જોવા મળે છે. જેને કારણે રાજ્ય સરકારના કૃષિ વિભાગે પણ ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ચોમાસુ ખેતી થઈ શકે નહીં તેવો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરાયો છે. ત્યારે આજે જુનાગઢ આવેલા રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પણ ઘેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ખેતી ન થઈ શકે તેવો સીધો સ્વીકાર કરવાને બદલે ઘેડમાં શિયાળુ પાકોનું વાવેતર ખૂબ સારું થઈ શકે તેવો પ્રતિભાવ આપ્યો હતો.
રાજ્યના કૃષિ વિભાગે ચોમાસા દરમિયાન ઘેડમાં ખેતી ન થઈ શકે તેમાં સૈદ્ધાંતિક સ્વીકારને આડકતરી રીતે સમર્થન પણ આપ્યું છે. વધુમાં રાઘવજી પટેલે એવો પણ પ્રત્યુતર આપ્યો છે કે જો ઘેડમાં ખેડૂતોએ ચોમાસુ ખેતી કરી હશે તો સરકાર ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખીને કોઈ વળતર આપવાની દિશામાં વિચારી શકે છે.