પાટણ : રાધનપુર સમી વચ્ચે ખારિયાના પુલ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા, જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા છે. આ અંગે જાણ થતા રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ એમ્બ્યુલન્સ અને સેવાભાવી લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જીવલેણ અકસ્માત : આ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર સમી વચ્ચે ખારિયાના પુલ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ખારિયાના પુલ પાસે રાપરીયા હનુમાનથી આગળના ભાગે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બસના ડ્રાઇવર અને કંડકટરનું મોત થયું છે. સાથે જ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ચાર લોકોના દુઃખદ મોત : આ અકસ્માતમાં ખેરાલુ પાસે સુંઢિયા ગામના એસટી ડ્રાઈવર કનુજીભાઈ અને રાધનપુર તાલુકાના અમીરપુરા મસાલીના કંડકટર લાલાભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરનું પણ મોત થયું હતું. જેમાં એક બામરોલી ગામના ઠાકોર સમાજ અને બીજા બજાણીયા સમાજના વારઈ તાલુકાના હતા. ઉપરાંત એસટી બસમાં સવાર મુસાફરો પૈકી કેટલાકને નાની મોટી ઇજા પહોંચી હતી. જેમાંથી બે ઈજાગ્રસ્તને પાટણ મહેસાણા રીફર કરવામાં આવ્યા છે.
બચાવ અને રાહત કામગીરી : પોલીસ તથા એસ.ટી નિગમના કર્મચારીઓ તથા બે ક્રેન હાઇડ્રા લઈને ટ્રક અને બસને છૂટી પાડવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ઉપરાંત ચારેય મૃતકોના મૃતદેહને રાધનપુરની સેવાભાવી સંસ્થા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલના પીએમ રૂમ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.