જૂનાગઢ: દેશના લોકોને તો જાણે લાઈનમાં રહેવાની હવે આદત જ પાડી દેવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, અગાઉ નોટબંધી હોય કે કોરોનામાં દવા કે હોસ્પિટલમાં બેડ માટેની જહેમત હોય, હવે એક નવા સરકારી નિર્ણય પછી લોકોની ફરી લાઈન જોવા મળી રહી છે. જોકે હવે જાણે લોકોએ પોતાના થાકનો એક અલગ રસ્તો કાઢ્યો છે, ચપ્પલને જ લાઈનમાં લગાવી દીધા છે, પણ હવે જાણે તેમને આદત પડી ગઈ છે. આધારકાર્ડ માટે e-KYC ઉના તાલુકાના લોકો માટે ગળામાં ફસાયેલું હાડકું બની રહ્યું છે. લોકો વહેલી સવારે 5:00 વાગે ઊઠીને મામલતદાર કચેરીએ તેમનો નંબર પહેલો આવે તે માટે ચપલોની લાઈન લગાવીને e-KYC રજીસ્ટ્રેશન થાય તે માટે રાહ જોતા કચેરીમાં બેસી રહે છે.
e-KYC માટે ચપલોની પંગત: ઉના તાલુકામાં આધારકાર્ડની e-KYC ને લઈને લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. શાળામાં દિવાળી સત્ર પૂરું થઈ રહ્યું છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે માતા પિતાના આધારકાર્ડ સાથે વિદ્યાર્થીનો આધારકાર્ડ e-KYC માટે ઉના તાલુકામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ભારે મહેનત કરી રહ્યા છે. વહેલી સવારે પાંચ વાગે ઊઠીને ઉના મામલતદાર કચેરી પર જાણે કે કોઈ ધર્મસ્થાનોમાં ચપલોની કતાર લાગી હોય તે પ્રકારે તેમનો ક્રમ પહેલો આવે તે માટે ચપલોની કતાર લગાવીને બેઠેલા જોવા મળે છે.
ગ્રામ્ય કક્ષાએ પણ e-KYC ઉપલબ્ધ: ઉના મામલતદાર કચેરી ખાતે e-KYC લિંકઅપ માટે આવતા અરજદારોની મુશ્કેલી ઓછી થાય તે માટે ગ્રામ્ય કક્ષાએ વી.સી મારફતે પણ શાળામાં અભ્યાસ કરતા બાળકોની e-KYC થઈ શકે છે. આ પ્રકારની સુચના તાલુકાના તમામ શાળાના શિક્ષકોને આપવામાં આવી છે તેમ છતાં વાલીઓ મામલતદાર કચેરીએ e-KYC માટે આવી રહ્યા છે.
મામલતદાર કચેરીમાં 10:00 વાગ્યાથી કામગીરી શરૂ થાય છે અને મોડી સાંજ સુધી તે ચાલે છે. આવા સમયે e-KYC માટે આવેલા પ્રત્યેક વાલીને આધારકાર્ડ લિંકઅપ કરવું ખૂબ મુશ્કેલ છે. નેટવર્કના પ્રોબ્લેમ હોવાને કારણે પણ ઓનલાઇન પ્રક્રિયાથી સમગ્ર મામલો પૂરો કરવાનો હોય છે. જેથી વધુ સમય લાગે છે જેને કારણે પ્રતિ દિવસે આવેલા તમામ અરજદારોને સંતોષ આપી શકાતો નથી.
આ પણ વાંચો: