રાજકોટ : રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રુપાલા તેમજ ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલનાં પંજાબનાં પ્રભારી વિજય રૂપાણીએ મીડિયા સાથે કરેલા સંવાદ દરમ્યાન પક્ષની પરંપરા અને આવનારી ચૂંટણીઓમાં પક્ષ મજબૂત રીતે જીત હાંસલ કરશે તેઓ આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો.
મોટી લીડથી જીતવાનો લક્ષ્યાંક : આ સાથેે પક્ષ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ દ્વારા ગુજરાતની તમામ બેઠકો પર 5 લાખની લીડથી જીતનો અપાયેલો લક્ષ્યાંક મેળવવા પક્ષનાં તમામે તમામ કાર્યકરો કમર કસીને મહેનત કરી રહ્યાની વાત મીડિયા સમક્ષ રજુ કરી હતી. આ પ્રક્રિયામાં કોઈ વિરોધ કે વિરોધ પક્ષની કોઈ પ્રક્રિયા નડશે નહીં તેવો આત્મવિશ્વાસ પણ પક્ષનાં રાજકોટ ખાતેનાં કર્તાધર્તાઓએ દર્શાવ્યો હતો.
જૂના નેતા નેતાઓનો ફાળો : જનસંઘનો પ્રથમ દીપક રાજકોટથી વર્ષ 1952માં સ્વર્ગીય ચીમનભાઈ શુકલા રૂપે ગુજરાતની વિધાનસભામાં પ્રગટ્યો હતો અને ત્યાર પછી જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસનો સુરજ તપી રહ્યો હતો એ કાળમાં ભારતીય જનતા પક્ષે રાજકોટમાં મહાનગરપાલિકા પર 50 વર્ષ માટે સત્તા પર રહીને અનેક પડકારો ઝીલ્યા હતાં. જેમાં પાણીવાળા મેયરની ઉપમા મેળવનારા વજુભાઈ વાળાએ દુષ્કાળનાં સમયકાળ દરમ્યાન રાજકોટ શહેરને પાણી પૂરું પાડીને એક સશક્ત લોકનેતા અને રાજકારણીનો દાખલો બેસાડ્યો હતો.
રાજકોટ ભાજપની મોટી ભૂમિકા : આજે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના જે મૂળિયાં મજબૂત બન્યા છે તેમાં રાજકોટ ભારતીય જનતા પક્ષના એ સમયનાં સંનિષ્ઠ કાર્યકરો અને નેતાઓને પણ આજે સ્થાપના દિને યાદ કરવામાં આવ્યા હતાં અને તેમને પક્ષ દ્વારા શાબ્દિક અંજલિ અર્પણ કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી જીતવા વિશ્વાસ : આગામી દિવસોમાં વિશ્વની સૌથી મોટી રાજકીય સંસ્થા એટલે ભારતીય જનતા પાર્ટી આવનારી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીઓ જીતીને ભારતને વિશ્વની ત્રીજી મજબૂત અર્થવ્યવસ્થા બનાવવા હરહંમેશ કાર્યરત રહેશે તેવો આત્મવિશ્વાસ પણ આજનાં રાજકોટ ખાતે પક્ષનાં સ્થાપના દિને યોજાયેલા પ્રસંગમાં દર્શાવવામાં આવ્યો હતો.