ગાંધીનગરઃ ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટા સમાચાર છે. પીએસઆઈ તથા લોકરક્ષક દળની ભરતીના ફોર્મ ભરવાનું શરૂ છે. ઉમેદવારો 30 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખને હજૂ 5 દિવસ બાકી છે. અત્યાર સુધી કુલ 8.63 લાખ જેટલી અરજીઓ આવી છે. જેમાંથી 7.11 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે. ફી ભરવાનો અંતિમ દિવસ 7 મે છે.
ઉમેદવારો માટે માર્ગદર્શન સુવિધાઃ પીએસઆઈ અને લોકરક્ષક દળ માટે એપ્લાય કરતા ઉમેદવારોને કોઈ તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકાર તરફથી ખાસ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ઉમેદવારોને ફોર્મ ભરવામાં પડતી સમસ્યા અંગે હેલ્પલાઈન પર જવાબ આપવામાં આવે છે. ઉમેદવારોના પ્રશ્નોના જવાબ વેબસાઈટ ઉપર પણ મૂક્યા છે. યુટ્યુબ વીડિયો મારફતે પણ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ઝડપથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા અપીલ કરાઈઃ ઉમેદવારોએ ઝડપથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા જોઈએ કારણ કે 8.63 લાખ જેટલી અરજીઓ થઈ છે. અંદાજિત દોઢ લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થવાની બાકી છે. તેમાં ફોટો અને સહી અપલોડ નથી થયા. ફોટો અને સહી અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ થાય છે. જેમ જેમ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસો આવશે તેમ તેમ સાઈટ ઉપર લોડ વધશે. તેથી જે ઉમેદવારોની અરજી કન્ફર્મ નથી થઈ તેમને ઝડપથી અરજી કન્ફર્મ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. દરરોજ અંદાજિત 25000 જેટલી અરજીઓ ઉમેરાય છે. હજી પાંચ દિવસમાં એક લાખથી દોઢ લાખ અરજીઓ આવે તેવી સંભાવના છે.
વર્ષ 2025માં ભરતી કરાશેઃ જે ઉમેદવારે આ વર્ષે ધો. 12 અને સ્નાતક પરીક્ષા આપી છે તેમને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરીથી તક આપવામાં આવશે. વેબસાઈટ ઉપર શેડ્યૂલ મૂકવામાં આવ્યો છે. શારીરિક કસોટી નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામાં આવશે. લેખિત કસોટી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. વર્ષ 2025 માં લોકરક્ષકની ભરતી પૂર્ણ કરવામાં આવશે. સપ્ટેમ્બર 2025માં પીએસઆઈની ભરતી પૂર્ણ કરવામાં આવશે.
ઉમેદવારો 30 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખને હજૂ 5 દિવસ બાકી છે. ફી ભરવાનો અંતિમ દિવસ 7 મે છે...હસમુખ પટેલ(ચેરમેન, પોલીસ ભરતી બોર્ડ)