સુરત : સુરતમાં હોળી બાદ અચાનક ગરમી શરૂ થઈ ગઈ છે. ગરમીને લઈને એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. માર્ચ મહિનો પૂરો થાય તે પહેલાં જ મે મહિના જેવી આકરી ગરમી શરુ થઈ ગઈ છે. આ સ્થિતીમાં સામાન્ય લોકો સહિત પશુ અને પંખીઓની હાલત પણ કફોડી થઈ રહી છે.
ગરમીથી પ્રાણીઓ થયા પરેશાન : સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને બપોરના સમયે ગરમીથી રાહત મળે તે માટે તેમના પાંજરામાં ખાસ ફુવારા મૂકવામાં આવ્યા છે. સાથે-સાથે તેમના ખોરાકમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ભોજનમાં જે વેજીટેબલ આપવામાં આવે છે તેમાં પાણીનું પ્રમાણ સૌથી વધારે હોય તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
પશુ-પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા : ઉનાળામાં ગરમીથી બચવા માટે લોકો તો વિવિધ પ્રયોગ કરે છે. ત્યારે સુરત પાલિકાએ નેચર પાર્કના પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરી છે. પાલિકાના નેચર પાર્કમાં માંસાહારી પશુઓ સાથે પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે. દિવસ દરમિયાન ચાલતા આ ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે, તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થયો છે. જેને લઇને આગોતરી વ્યવસ્થા કરાઈ છે. પ્રાણીઓ માટે હાલ ઠંડકની વ્યવસ્થા કરી છે. વાઘ, સિંહ, રીંછના પાંજરામાં બપોરના 12 થી પાંચ વાગ્યાના અરસામાં ફુવારા ચાલુ કરવામાં આવે છે. -- ડો. રાજેશ પટેલ (આસિસ્ટન્ટ વેટરનરી ઓફિસર, RMC)
ઠંડા ઠંડા કૂલ કૂલ : આ વર્ષે હોળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ સુરતમાં આકાશમાંથી આગ ઝરતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આપેલા એલર્ટ બાદ વધુ ગરમી પડે તેવી શક્યતા છે. આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પણ પડી છે. પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાણીઓ સાથે સાથે હવે પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા શરૂ કરી દેવાયા છે.
મલ્ટી વિટામિન યુક્ત આહાર : કેટલાક પ્રાણીઓ પર સમયાંતરે પાણીનો છંટકાવ કરી તેમને ઠંડા કરવાનો પ્રયાસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. ગરમીનું પ્રમાણ વધારે હોવાથી તેમને ડીહાઇડ્રેશન ન થઈ જાય તે માટે મલ્ટી વિટામિન આપવામાં આવે છે. સાથે તેમના ખોરાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય તે પ્રકારના ખોરાક આપવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.