અમદાવાદઃ કલકત્તાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલ્સની સાથે ખાનગી હોસ્પિટલ્સે સમર્થન આપ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વિવિધ સરકારી તથા ખાનગી હોસ્પિટલ્સ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવા શરૂ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
'ડોક્ટર પછી પહેલા દેશની દીકરી છું'
અમદાવાદ ખાતે આવેલી બીજે મેડિકલ કોલેજ ખાતે પણ આ જ ઘટનાને લઇ બે દિવસથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે પણ આ વિરોધ ઉગ્ર બન્યો છે તેમની માંગણી છે કે ડોક્ટર્સની સલામતી માટે કોઈ ચોક્કસ કાયદા ઘડવામાં આવે અને ગુનેગરો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ વચ્ચે મહિલા ડોક્ટર એવું કહી રહી છે કે તેઓ મહિલા ડોક્ટર બાદમાં છે પહેલા તેઓ દેશની દીકરી છે તેમની સલામતી અને સુખાકારીની જવાબદારી પણ દેશની બને છે. તેઓ પોતાની માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી આવી જ રીતે વિરોધ કરતા રહેશે અને પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરતા રહેશે.
કલકત્તામાં જે ઘટના બની તેના પછી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પડઘા આજે અમદાવાદમાં પણ જોવા મળ્યા હતા અને બી જે મેડિકલ કોલેજના રેસિડેન્સ ડોક્ટર્સ દ્વારા પણ હાથમાં મીણબતી લઇ ઇમરજન્સી સિવાયની બધી સેવાઓ બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.