જુનાગઢ: જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ફી વધારો અને ઘટાડાને લઈને હવે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ અપનાવવામાં આવી રહ્યા છે. આજે જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપીને સરકારે મતના બદલામાં તેમને ભીખ માંગવા માટે મજબૂર કર્યાના આક્ષેપ સાથે ફી વધારાનો વિરોધ કર્યો હતો.
GMERS મેડિકલ કોલેજ ફી વધારાનો મામલો: સમગ્ર રાજ્યમાં 13 જેટલી મેડિકલ કોલેજોનું સંચાલન જીએમઆરએસ મેડિકલ સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અને તેના વાલીઓની સાથે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ફી પૂર્વવત્ કરવાને લઈને આવેદનપત્રથી લઈને વિરોધ પ્રદર્શન પાછલા દિવસોથી શરૂ કરાયા છે. ગઈકાલે સરકારે ફીનું નવું ધોરણ જાહેર કર્યું છે તેને લઈને પણ વાલીઓમાં હવે વિરોધ પ્રગટ થઈ રહ્યો છે. જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા ભીખ માંગીને સરકારે કરેલો ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ છે.
વાલીઓએ ભીખ માંગીને દર્શાવ્યો વિરોધ: સરકારે જે ફીનો વધારો કર્યો છે, તેમાં વાલી અને વિદ્યાર્થીઓ પણ હવે ભીખ માંગીને સરકારના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. પ્રથમ વખત ગત લોકસભાની ચૂંટણીમાં મત આપનાર વિદ્યાર્થીની એ પણ સરકાર સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે "બે મહિના પહેલા અમે સરકારને મત આપ્યો છે આજે સરકાર અમારા મતના બદલામાં અમને ભીખ માંગવા માટે મજબૂર કરી રહી છે." વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સરકારના નિર્ણયથી ખૂબ જ નિરાશ છે, અને તાકીદે ગત વર્ષે મેડિકલ કોલેજોમાં ફીનું ધોરણ હતું તેને જાળવી રાખવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.
વિદ્યાર્થી સંગઠનોનો પણ વિરોધ: ભાજપ અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનો પણ સરકાર દ્વારા જે ફી નું ધોરણ વધારવામાં આવ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે, તો આજે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એન એસ.યુ.આઈ દ્વારા રાજ્યની સરકારે સરકારી મેડિકલ કોલેજની 210 જેટલી સીટ એકમાત્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવી હતી. તેને પણ હવે રાષ્ટ્રીય કોટામાં સામેલ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓના હક પર તરાપ મારી છે. અત્યાર સુધી 210 સરકારી કોલેજની સીટ પર સાવ મામૂલી ફી ના ધોરણે ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારનો દીકરો કે દીકરી તબીબ બની શકતા હતા. પરંતુ હવે તેમાં પણ સ્પર્ધાત્મક યુગ દાખલ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારો રાજ્ય અને કેન્દ્રની સરકાર છીનવી રહી છે. તેઓ આક્ષેપ કોંગ્રેસની વિદ્યાર્થી પાખ એન.એસ.યુ.આઇના પ્રમુખે લગાવ્યો છે.