સુરત: કામરેજ પોલીસને મળેલી પૂર્વ બાતમીનાં આધારે સીમાડી ગામના ફાર્મ હાઉસમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી 6 લોકોને કુલ 4 લાખ 38 હજાર 500 રુપિયાનાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી.આરોપીઓ વિદેશી મહિલાઓ આગળ દેહ વ્યાપાર કરાવતા હતાં.પોલીસને બાતમી મળતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
થાઇ મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો: પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજનાં સીમાડી ગામની સીમમાં આવેલ કર્મા ફાર્મ હાઉસમાં મીત કિશોરભાઇ હરીયાણી નામનો ઇસમ થાઇ મહિલાઓને બોલાવી ફાર્મ હાઉસનાં રૂમમાં રાખી તેમજ ફાર્મ હાઉસની બહાર એક ઇસમને ઉભો રાખીને બહારથી આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઇને ફાર્મ હાઉસનાં રૂમમાં શરીર સુખ માણવાની સવલતો પુરી પાડી થાઇ મહિલાઓ પાસે દેહ વેપારનો ગોરખ ધંધો કરાવતો હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી.
પોલીસે 4 લાખ 38 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો: મળેલી બાતમીના આધારે કામરેજ પીઆઈ એ.ડી.ચાવડાનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે કર્મા ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. જેમાં 1 દલાલ 2 મજૂર તથા 3 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. પોલીસે બનાવનાં સ્થળેથી 4 લાખ કિંમતની 2 કાર, 35 હજાર કિંમતનાં 7 મોબાઇલ ફોન, 3 હજાર 500 રોકડા મળીને પોલીસે કુલ 4 લાખ 38 હજાર 500 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.
આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી: કામરેજ પોલીસે 6 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. આરોપીઓમાં સુરતના તપન ઉર્ફે ગુના હરેક્રિષ્ણા માયતી, મહારાષ્ટ્રના બુલડાના કરણ અશોક મોરે, મહારાષ્ટ્રના બામખેડાના આનંદા ઉર્ફે રાહુલ અનિલ સામુદ્રે, પાલીતાણાના નેસડીના ભાવેશ બાબુભાઇ લાઠીયા, બનારસના ખરદાહાના સૌરભસિંહ મીથિલેશસિંહ રાજપુત અને બનારસના લછાપુરના અભિષેકસિંહ શૈલેષસિંહ રાજપુત નામના 6 આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે મીત કિશોરભાઇ હરીયાણીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.