ભુજ: કચ્છના વિશ્વ પ્રખ્યાત સફેદ રણમાં પ્રવાસીઓનો સતત ધસારો રહેતો હોય છે, તો ધોરડો ગામ સુધી જતા માર્ગ પર સતત 3 થી 4 માસ ટ્રાફિક રહેતો હોય છે. ટ્રાફિક સમસ્યાથી દૂર રહેવા માટે ધોરડો ગામની જગ્યાએ ગોરેવલીથી સીધા સફેદ રણના વોચ ટાવર સુધી પહોંચી શકાય એવો 12 કિ.મી.નો 80 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવવામાં માટેની દરખાસ્ત સરકાર સમક્ષ મૂકવામાં આવી છે.
પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ કરનારા કચ્છનું ધોરડો ગામ કે જે વર્લ્ડના બેસ્ટ ટુરિઝમ વિલેજમાં સમાવિષ્ટ છે, અને કચ્છનું સફેદ રણ કે જે છેલ્લાં 2 દાયકામાં વૈશ્વિક સ્તરે ચમકી ઉઠ્યું છે. દર વર્ષે કચ્છના સફેદ રણમાં 4 માસ માટે યોજાતા રણોત્સવને હવે 4 મહિના સુધી સીમિત નહીં પરંતુ જે રીતે કચ્છડો બારે માસ કહેવાય છે તેમ પૂરા વર્ષ દરમિયાન સફેદ રણની પ્રવાસીઓ મુલાકાત લઈ શકે એ દિશામાં નિર્ણય લેવા માટે ચર્ચા વિચારણા થઈ રહી છે.
હાલમાં ચાલી રહેલા રણોત્સવના કારણે ધોરડો ગામ સુધી જતા માર્ગ પર સતત ટ્રાફિકનો ધસારો રહેતો હોય છે, ત્યારે પ્રવાસીઓના ટ્રાફિકની અડચણો દૂર કરવા બન્ની વિસ્તારના ગોરેવલીથી સીધા સફેદ રણના વોચ ટાવર સુધી પહોંચી શકાય એવો 12 કિલોમીટરનો 80 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવવાની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે. -ચિરાગ ડુડિયા, નાયબ ઇજનેર, આર.એન્ડ બી
પ્રવાસન બારેમાસ
કચ્છના ધોરડો ખાતેના રણોત્સવનો લાભ વધુને વધુ પ્રવાસીઓ લે તેમજ માત્ર 4 માસ માટે નહીં પરંતુ આખા વર્ષ માટે અહીં પ્રવાસીઓની અવરજવર રહે તે દિશામાં આયોજન કરવામા આવી રહ્યું છે, તો અહીં અનેક અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે અને હલમાની માળખાંકીય સુવિધાઓ ટકી રહે અને દેશ-વિદેશથી આવતા લાખો પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે નવા રોડના નિર્માણ માટે ગતિવિધિઓ રહી છે.
40 હજારથી પણ વધારે વાહનોની અવરજવર
રણોત્સવના 4 માસ દરમિયાન ધોરડો સુધી 40,000થી પણ વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે ધોરડો ગામ પાસેથી ટેન્ટ સિટી અને સફેદ રણના વોચ ટાવર સુધી મોટી માત્રામાં પ્રવાસીઓ વાહનો સાથે અવરજવર કરે છે, પરંતુ વિકેન્ડમાં તેમજ તહેવારોના દિવસોમાં અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા ઊભી થતી હોય છે, માટે ઘડુલી- સાંતલપુરનો રસ્તો કે જે રોડ ટુ હેવનના નામે ઓળખાય છે તે રસ્તાને જોડી શકાય એ રીતે ગ્રીન ફિલ્ડ એલાઇન્મેન્ટ રસ્તો આકાર પામે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
12 કિલોમીટરનો નવો રસ્તો
હાલમાં કચ્છના રણોત્સવ સુધી જતા માર્ગ પર વાહનોની અવર જવર માટે એક જ રસ્તો છે માટે ટ્રાફિકની આ સમસ્યા નિવારણ કરવા માટે વન-વે પ્રકારના રસ્તાનું આયોજન રાજ્ય માર્ગ-મકાન વિભાગે દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે 80 કરોડના ખર્ચે નવો માર્ગ તૈયાર કરવાની દરખાસ્ત માર્ગ-મકાન વિભાગના ઉપસચિવને મોકલી આપવામાં આવી છે. આ રોડ 10 મીટરનો પહોળો અને 12 કિલોમીટરનો નવો રસ્તો ગોરેવલી ગામથી ડાયરેકટ વોચ ટાવર સુધી પ્રવાસીઓ પહોંચી શકે તે રીતે આયોજન કરવામાં આવશે.
80 કરોડનો પ્રોજેકટ
હાલમાં જે રસ્તો ચાલુ છે, ધોરડો ગામ સુધીનો તે રસ્તો એક બાજુથી રણોત્સવ જવા માટે અને જે નવો રોડ બનશે તે બીજી બાજુથી પરત જવા માટેની વ્યવસ્થા માટેનો રહેશે.આ રોડ દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે. આ ઉપરાંત આ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાતાં હોવાથી માટી અને મેટલ કામ દ્વારા રોડની ઊંચાઇ માટે મોટું કામ કરવાનું થશે. આ ઉપરાંત જે 80 કરોડનો પ્રોજેકટ છે તેની રકમ પણ વિભાગ પાસે અત્યારે બચતમાં પડેલી છે. તો સરકારમાંથી જેવી મંજૂરી મળે તેના બાદ 11 માસમાં જ આ રોડ તૈયાર થઈ જશે.
બચતમાં પડી છે 88 કરોડની રકમ
ઉલ્લેખનીય છે કે ભીરંડિયારા, હોડકો અને ધોરડો ગામના કુલ 31 કિલોમીટરના રસ્તા માટે 125 કરોડની રકમ ફાળવવામાં આવી હતી અને આ રકમમાંથી 37 કરોડ રૂપિયા જેટલી રકમનો વપરાશ થયો હોવાથી અત્યારે 88 કરોડ જેટલી રકમ બચતમાં પડી છે. ધોરડોના રણોત્સવ દરમ્યાન દર વર્ષે 4 મહિના દરમિયાન 4થી 4.5 લાખ પ્રવાસીઓ કચ્છ આવતા હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાને નિવારવા આ પ્રોજેક્ટ ઉપયોગી નીવડશે.
બારે માસ પર્યટન નગરી બનાવવાની દિશામાં આયોજન
ઉલ્લેખનીય છે કે આ વર્ષથી કચ્છના સફેદ રણમાં બી.એસ.એફ. ચોકીથી વોચ ટાવર સુધી ખાનગી વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી છે અને સબરસ બસ પોર્ટ પાસેથી એસટી વિભાગની બસો દ્વારા વોચ ટાવર સુધી પ્રવાસીઓને લઈ જવામાં આવી રહ્યા છે. તો ભવિષ્યમાં ધોરડોને ના માત્ર 4 માસ પૂરતું પરંતુ બારે માસ પર્યટન નગરી બનાવવાની દિશામાં ચાલી રહેલી ચર્ચા વિચારણાને ધ્યાનમાં લઈને આ નવા રોડનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રવાસીઓ સીધા સફેદ રણની મુલાકાત લઈ શકશે
ધોરોડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેને જણાવ્યું હતું કે આ નવા રસ્તાના કારણે ધોરડો ગામ તેમજ આસપાસના ગામોમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તે દૂર થશે અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ આ રોડ ખૂબ મહત્વનો સાબિત થશે. આ રોડના કારણે જે પ્રવાસીઓને ધોરડો ગામ કે ટેન્ટ સીટીની મુલાકાત લેવી હશે તે એક બાજુના રસ્તાથી ત્યાંની મુલાકાત લઈ શકશે જ્યારે જે પ્રવાસીઓને સીધા સફેદ રણમાં જવું હશે તે પ્રવાસીઓ સીધા સફેદ રણની મુલાકાત લઈ શકશે.આ રોડ આવકારદાયક રહેશે.
પ્રવાસનની દ્વષ્ટિએ આ રોડ ખૂબ જ ઉપયોગી રહેશે.
બન્ની વિસ્તારના સ્થાનિક યુવા અગ્રણી ઈમરાન મુત્વાએ જણાવ્યું હતું કે, આ રોડની દરખાસ્ત સરકાર સમક્ષ મૂકવામાં આવી છે અને તેનો પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. આ રસ્તો જે ગામમાંથી પસાર થશે તે ગામ ગોરેવલી અને આસપાસના 2થી3 ગામોના લોકો દ્વારા હજુ સુધી કોઈ વિરોધ નોંધાવવામાં નથી આવ્યો પરંતુ પ્રવાસનની દ્વષ્ટિએ આ રોડ ખૂબ જ ઉપયોગી રહેશે.