બનાસકાંઠા: અંબાજી દાંતા વચ્ચે આવેલો ત્રિશૂળિયો ઘાટ અકસ્માત ઝોન ગણવામાં આવે છે, અહીં અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. એકાદ મહિના પહેલા અહીં લઝગરી બસ પલ્ટી મારી ગઈ હતી જેમાં ચાર લોકોના મોત નીપજ્યાં હતા. જોકે ત્યાર બાદ ફરી અહીં યાત્રાળુઓની બસ પલ્ટી મારી જવાની દૂર્ઘટના સર્જાય છે, જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈજ જાનહાની થઈ નથી.
કચ્છના અંજારથી અંબાજી શ્રદ્ધાળુઓ દર્શને આવ્યા હતા, અને પરત ફરી રહ્યા હતા, ત્યારે ત્રિશૂળીયા ઘાટ પર લક્ઝરી બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી જે બાદ લક્ઝરી બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી હતી. આમ આ ટ્રિપલ અકસ્માતની ઘટનામાં કુલ 37 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
લક્ઝરી બસમાં અંજારના કુલ 28 મુસાફરો સવાર હતા, ઘાયલોની સંખ્યા વધારે હોવાથી 4 જેટલી 108 મારફત 37 ઇજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 9 ઇજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા.
આ અંગે બસના ચાલકે જણાવ્યું હતું કે સ્પીડ બ્રેકર કુદાવ્યા બાદ ગાડી કન્ટ્રોલ થતી ન હતી અને બ્રેક લાઈન પણ તૂટી ગઈ હતી, આ બાજુ નાખું તો ગાડી ખાઈમાં પડે તેમ હતી, જેથી બીજી બાજુ ગાડી કન્ટ્રોલ કરી હતી છતાં આ ઘટના ઘટી ગઈ
અંબાજી-દાતા વચ્ચે આવેલા ત્રિશૂળિયા ઘાટા ઉપર અવારનવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે, જોકે અહીંયા મુકાયેલા સ્પીડબ્રેકર અકસ્માતનુ કારણ બનતા હોવાનું ચર્ચાતું હોય છે, ત્યારે ઢળાવમાં જ મુકાયેલા સ્પીડબ્રેકર જો ખરેખર અકસ્માતને નોતરતા હોય તો તે દીશામાં પણ તંત્રએ ગંભીરતા દાખવી દુર કરવામાં આવે તેવી વાહનચાલકોનો મત છે. નહિંતર આવી નાની- મોટી દૂર્ઘટના સર્જાતી રહે તો નવાઈ નહીં.