રાજકોટ : આગામી દિવસોમાં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસારની શરૂઆત કરી છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં હાલ કેન્દ્રીય નેતાઓ આવી રહ્યા છે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈને વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગ્યું છે.
પીએમ મોદીનો રાજકોટ પ્રવાસ : વડાપ્રધાન મોદી આગામી 22 ફેબ્રુઆરીથી ગુજરાતના વિવિધ જિલ્લાના પ્રવાસે છે. રાજકોટના પ્રવાસ દરમિયાન પીએમ મોદી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે. જોકે હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ જાહેર થયો નથી. પરંતુ પીએમ મોદી દ્વારકામાં યોજાનાર કાર્યક્રમ બાદ રાજકોટ ખાતે આવશે.
રાજકોટ એઈમ્સની સંભવીત મુલાકાત : જે અંતર્ગત 24 ફેબ્રુઆરીએ દ્વારકા ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી સીધા રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચે તેવી સંભાવના છે. અહીં પીએમ મોદી 250 બેડની OPD વિભાગનું લોકાર્પણ કરશે અને એઈમ્સ હોસ્પિટલની મુલાકાત કરે તેવી પણ શક્યતા છે. ત્યારબાદ પીએમ મોદી રાજકોટ જૂના એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી રેસકોસ ગ્રાઉન્ડ ખાતે આવશે. આમ રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોસ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાય તેવી શક્યતા છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહી છે.
રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનસભા : વડાપ્રધાન મોદી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે. પીએમ મોદીની જનસભાને લઈને હાલ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાંચ વિશાળ ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. જેમાં એક લાખથી વધુ લોકો બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત હોવાના પગલે આ ડોમની અંદર પંખા તેમજ કુલર સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ તૈયારીમાં લાગી છે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અભૈદ કિલ્લો ઉભો કરવામાં આવશે. રાજકોટમાં સુરક્ષા બંદોબસ્ત અંતર્ગત 1 CP, 1JCP, 4 DCP, ACP, PI અને PSI સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ખડે પગે તૈનાત જોવા મળશે. પીએમ મોદી રાજકોટમાં અનેક વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે. જેને લઈને રાજકોટ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.