રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો મોત થી દેશભરમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. જેમાં રાજકોટમાં જુદા જુદા સંગઠનોએ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે ન્યાયની દેવીની મૂર્તિને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરી હતી અને વિનંતી કરી હતી કે, દુર્ઘટના મામલે ન્યાયની દેવી આંખો પરથી પટ્ટી હટાવે અને તમામ આરોપીઓને કડક સજા થાય. આરોપીઓની તમામ સંપત્તિ જપ્ત કરવા સહિતની માંગ કરી હતી. તેમજ કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા.
કોઈને પણ છોડવામાં ન આવે: સામાજિક સંગઠનના કાના કુબાવતે જણાવ્યું હતું કે, "TRP ગેમઝોન અગ્નિકાંડમાં જવાબદાર તમામ આરોપીઓને કડક સજા થાય જેથી આવનાર ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવા કૃત્ય કરતા પહેલા વિચારે. આ ઉપરાંત ઘટનાની તપાસ પૂરી નિષ્ઠાથી નિષ્પક્ષ થાય, કોઈને પણ છોડવામાં ન આવે. ભલે એ ગમે તેવા નેતા હોય કે મોટા અધિકારી હોય. આ સાથે જ પકડાયેલ આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને પીડિત પરિવારોને સોંપવામાં આવે. આજ અમે ન્યાયની મૂર્તિને સાથે લઈને આવ્યા છીએ, એમને કહી રહ્યા છીએ કે, આજે તમો આંખ ઉપરની પટ્ટી ઉતારીને આવા નરાધમોને સજા કરો".