પોરબંદરઃ પોરબંદરનો યુવાન કારમાં આગળ તિરંગો લગાવી ભારત માતાની તસવીર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નયા ભારતનું બેનર લગાવી 90 દિવસમાં 40 દેશોને વિશ્વ શાંતિનો પ્રેરક સંદેશો આપશે. મોચાના યુવાને 9 ઓગસ્ટથી પ્રારંભ કરેલી 25 હજાર કિમીની વિશ્વ શાંતિ તિરંગા યાત્રા દરમિયાન વિશ્વના દેશોને નયા ભારતના સ્લોગન સાથે ભારતના પ્રવાસે આવવા નિમંત્રણ આપશે.
પ્રવાસના દેશોની લીધી જાણકારીઃ પોરબંદર નજીક આવેલા મોચા ગામના 33 વર્ષિય યુવાન નિલેષભાઇ રાજાભાઇ પરમાર કે જેઓ પોરબંદની યુ.કે. સુધીની 40 જેટલા દેશોની વિશ્વ શાંતિ તિરંગા યાત્રા યોજી રહ્યા છે. યાત્રા કરનાર નિલેષભાઇ પરમારના જણાવ્યા મુજબ લિરબાઇ માતાની રથયાત્રાનું પોરબંદરમાં આયોજન થયું હતું. ત્યારે જ આ યુવાને લિરબાઇ માતાજીના આશીર્વાદ સાથે પ્રેરણા લઇ વિશ્વ શાંતિ તિરંગા યાત્રા કરવાનું નક્કી કર્યું હતું. અને ત્યારથી જ નિલેષ પરમાર નામના આ યુવાને 40 દેશોનો પ્રવાસ કરી વિશ્વ શાંતિ તિરંગા યાત્રા યોજવાનો નિર્ણય લીધો હતો. આ યાત્રા માટે જરૂરી વ્યવસ્થાઓ છેલ્લા બે વર્ષથી કરી હતી. મોચા ગામના નિલેષ પરમાર નામના યુવાને બે વર્ષથી આ યાત્રાનો સમગ્ર રૂટ તૈયાર કરવાની સાથો સાથ વિશ્વના દરેક દેશોના કાયદાનો અભ્યાસ વિદેશમાં રહેતાં ભારતીય લોકોનો સંપર્ક કરી કર્યો છે. તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ યુવાને વિશ્વ શાંતિ તિરંગા યાત્રા દરમિયાન જે દેશમાં જવાનું છે તે દેશનું પૂરતું માર્ગદર્શન મેળવ્યું છે.
વિશ્વના દેશોને આપશે પ્રેરણાઃ છેલ્લા બે વર્ષ દરમિયાન આ યુવાને પાસપાર્ટ તૈયાર કરવાની સાથો સાથ દરેક દેશોની વિઝા મેળવવાની પ્રક્રિયા પુરી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ યુવાન પોતે મોટરકાર મારફતે 40 દેશોના પ્રવાસે 9 ઓગસ્ટના પોરબંદરથી નીકળ્યો છે. જેમાં તેઓએ વિશ્વના દેશોનું ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવી લીધું છે. આ યુવાનની કારમાં ગમે ત્યાં રોકાણ કરી શકે તે માટેનું ટેંન્ટ, કારમાં ભારત માતાની તસવીર કારના બોનેટ ઉપર, દેશનો તિરંગો અને નયા ભારતનું સ્લોગન લગાવવામાં આવ્યું છે. પરંપરાથી જ ભારતએ શાંતિપ્રિય દેશ છે. આપણા આ શાંતિપ્રિય દેશથી વિશ્વના દેશોને પ્રેરણા મળે એ આશયથી આ યુવાન યાત્રા માટે નીકળ્યો છે.
જી - ૨૦ દરમિયાન પણ ભારતે વસુધેવ કુટુંબકમનો સંદેશો આપ્યો હતો. અમુક દેશોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે ત્યારે યુદ્ધગ્રસ્ત દેશોમાં પણ આ યુવાન પહોંચશે અને દેશની શાન ભારતીય તિરંગા સાથે વિશ્વ શાંતિની અપીલ કરશે.