પોરબંદર : પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકના ચૌટા ગામે પીજીવીસીએલના કુતિયાણા સબ ડિવિઝનની ટીમ વીજ ચેકિંગ માટે ગઈ હતી તે દરમિયાન એક ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ ચેકિંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન જમીનના સરખામણી પર દેખાતી પાટ પર ચાલ્યા હતાં. સિમેન્ટની એક પાટથી આગળ વધીને બીજી પાર્ ઉપર પગ મુકતા જ તે પાટ જમીનમાં ધસી ગઈ હતી કારણ કે નીચે કૂવો અને કૂવામાં સાપ હતો. આ સાપ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટને કરડી ગયો અને પીજીવીસીએલ કર્મચારીનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો : પીજીવીસીએલના કુતિયાણા સબ ડિવિઝનના ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ વિજયકુમાર ભીમશીભાઇ વરૂ પોતાની સરકારી ફરજ પર હતા તે દરમ્યાન ટીમ સાથે ચૌટા ગામ વાડી વિસ્તાર ( તા.કુતિયાણા )ના વીજ ગ્રાહક મંજુબેન કનુભાઇ વસરાની વાડીએ વીજ ચેકિંગમાં ગયા હતાં. તે દરમ્યાન વીજ ગ્રાહકની વાડીએ પડતર હાલતમા એક કુવો હોઇ જે કુવા ઉપર પાઇટુ ઢાકેલ હોય તે પાઇટુમાં પગ મુકતા અચાનક પાટ તૂટી જતાં કુવામાં પડી જતાં પાછળના ભાગે વાગ્યું હતું. તેઓ કુવામાં પડ્યાં તેમાં કુવામાં સાપ ઝેરી જનાવર હોય જે કરડતા તેમનું મોત નીપજ્યું હતું.
સાપ કરડતાં મોત પણ તપાસ ચાલુ : 19 તારીખની આ ઘટનાને લઇ ચૌટા ગામ વાડી વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે કુતિયાણા પીજીવીસીએલ સબડિવિઝનના જુનિયર એન્જિનિયર મનોજ હમીરભાઇ ઓડેદરાએ ઘટના બાદ બપોરે જ વાગ્યે પોલીસને જાણ કરી હતી. આ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશન ઓફિસર આર.ડી. કટારીયાએ એડી દાખલ કરતાં પીએસઆઇ કે એન ઠાકરીયાએ તપાસ હાથ ધરી હતી. પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાને કુદરતી જ ગણાવી રહ્યા છે તેમ છતાં આ ઘટનાની આરપાર કોઈ ક્રિમિનલ એંગલ હોય તો તે પોલીસે તપાસવો જોઈએ. આવી ઘટનામાં આ પ્રકારની બાબતો ખંગાળવા માટે જ એડીનું પ્રાવધાન હોય છે. બનાવમાં કોઈ કાવતરું કે ઈરાદાપૂર્વકની ભૂલ છે કે કેમ તે બાબત તપાસનો વિષય છે.
કૂવામાં દોરડું નાખીને વિજયને બહાર કાઢ્યો : આ ઘટનાને પોલીસ સમક્ષ જાહેર કરનાર અને નજરે જોનાર કુતિયાણા પીજીવીસીએલ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર મનોજ ઓડેદરાએ જણાવ્યું કે કૂવામાં પડતા જ વિજયે બૂમાબૂમ કરી મૂકી અને રાડારાડ થઈ ગઈ હતી.
અમે નજીકમાંથી એમને બહાર કાઢવા માટે દોરડું લઈ આવ્યાં. અંદરથી એણે દોરડું પોતાના શરીરના ભાગે બાંધ્યું અને વિજયને બહાર પણ કાઢવામાં આવ્યો. બહાર નીકળતાની સાથે જ તેણે કહ્યું કે "કુવાની અંદર મને ગળાના ભાગે સાપ કરડી ગયો છે." અમે સાપે કરડેલા ઘાના નિશાન પણ જોયાં. તાત્કાલિક અમે વિજયને કુતિયાણા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતાં. એની હાલત ગંભીર ગણાવવામાં આવી. ત્યાંથી વધુ સારવાર માટે ઉપલેટા લઈ ગયા હતાં. વિજય કુતિયાણામાંથી જ બોલવાનું બંધ કરી દીધું હતું અને ઉપલેટા પહોંચ્યા ત્યારે જોતાં જ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.અને કુતિયાણા સરકારી દવાખાને મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે... મનોજ ઓડેદરા (જુનિયર એન્જિનિયર, પીજીવીસીએલ )
બે અઠવાડિયા પહેલા વિજયની સગાઈ થઈ હતી : ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિજય વરુના પરિવારમાં એક નાનો ભાઈ એક બેન અને તેમના પિતા એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના મિત્રવર્તુળમાંથી જાણવા મળતી વિગત મુજબ વિજયભાઈ છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી પીજીવીસીએલ જોબમાં જોડાયા હતા અને બે અઠવાડિયા પહેલા તેમની સગાઈ કરવામાં આવી હતી. ત્યારે આ દુઃખદ ઘટના બનતા વિજયના મિત્રવર્તુળ અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.