પોરબંદર : પોરબંદરના દેગામે સરકારી ગોડાઉન ખાતે વર્ષ -2019-20 થી 2022-23 દરમ્યાન જથ્થાકીય અસામાન્ય વધ-ઘટ ધ્યાને આવતા, વડી કચેરીની સુચના મુજબ સ્પે. ઓડિટ રીપોર્ટમાં જણાયેલ ગંભીર ગેરરીતિઓને ધ્યાને આવતા, સરકારી અનાજના ગોડાઉનમાંથી અંદાજે એક કરોડ અઢાર લાખથી વધારેનાં અનાજની ઉચાપત માટે બગવદર પોલીસ સ્ટેશન ખાતે તત્કાલીન ઇ.ચા. ગોડાઉન મેનેજર નીરવપંડયા અને ડી.એસ.ડી. કોન્ટ્રાકટર હાથીયા ડી. ખુંટી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખાસ ઓડિટ કરાવાયું હતું : આ બાબતે ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુંએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પોરબંદર જિલ્લામાં આવેલ સરકારી અનાજનું જે જથ્થાનું ગોડાઉન દેગામ ખાતે આવેલ છે. તેના પુરવઠા નિગમના અધિકારીઓ તથા તથા રાજ્ય પુરવઠા નિગમના અધિકારીઓને જે અનાજની વધઘટ આવેલી હતી તેના અનુસંધાને સ્પેશિયલ ઓડિટ કરવામાં આવેલું હતું.
આ સ્પેશિયલ ઓડિટના અંતે એક કરોડ 18 લાખથી વધુની રકમની વિવિધ સંખ્યામાં અનાજના જથ્થામાં વધઘટ નોંધાઈ હતી. જેના આધારે પુરવઠા નિગમના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને જાણ કરતા ગઈકાલે દેગામ ખાતે આવેલ અનાજના ગોડાઉનના અધિકારીઓ સામે નામ જો ફરિયાદ નોંધવામાં આવેલ છે. જેમાં પોરબંદર દેગામ ગોડાઉનના તત્કાલીન ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા તથા તત્કાલીન ડી.એસ.ડીકોન્ટ્રાક્ટર હાથીભાઈ ખુટી તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે. જેમાં 2627 ક્વિન્ટલ ઘઉં ચોખા 617 ક્વિન્ટલ 24 ક્વિન્ટલ ખાંડ ચણા 181 ક્વિન્ટલ સીંગતેલ 529 ક્વિન્ટલની ઘટ જોવા મળી છે...સુરજીત મહેડુ (ડીવાયએસપી)
પહેલાં પણ ફરિયાદ નોંધાઇ હતી : આ અગાઉ જાન્યુઆરી 2023માં પણ આ જ પ્રકારની ગેરરીતિ સામે આવી હતી અને તેમાં પણ ફરિયાદ નોંધાઇ હતી.જેમાં પુરવઠા નિગમના અધિકારી નીરવ પંડયાનું નામ સામે આવ્યું હતું. આ ગેરરીતિમાં પણ નીરવ પંડયા શામેલ છે. આ બંને વિરુદ્ધ આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.